Site icon Revoi.in

અમદાવાદમાં સરદાર પટેલની જન્મજ્યંતિ પર મુખ્યમંત્રીએ યુનિટી માર્ચને ફ્લેગ ઓફ કરાવ્યુ

Social Share

અમદાવાદઃ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મજયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઊજવણીના ભાગરૂપે અમદાવાદ, સુરત, ગાંધીનગર અને રાજકોટ સહિત શહેરોમાં ‘યુનિટી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નારણપુરા ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને માર્ચને ફ્લેગ ઓફ કરાવી હતી. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજકોટમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ‘રન ફોર યુનિટી’ યોજાઈ હતી.

અમદાવાદમાં આજે સરદાર પટેલની 150મી જન્મજ્યંતિએ યોજાયેલી યુનિટી માર્ચમાં મેયર પ્રતિભા જૈન, મંત્રી દર્શનાબેન વાઘેલા, પોલીસ કમિશનર જી.એસ. મલિક, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડના જવાનો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘ફીટ ઇન્ડિયા’ના નારા સાથે જોડાયા હતા, જે આશ્રમ રોડ પર આવેલા ઇન્કમટેક્સ ખાતે પૂર્ણ થઈ હતી.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુનિટી માર્ચને ફ્લેગ ઓફ કરી પોતે 100 મીટર સુધી ચાલ્યા હતા. જ્યારે આ યાત્રામાં ભાજપના નેતા, મેયર અને ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ અને દેશની એકતા અને અખંડિતતાના પ્રણેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીએ આપણા સૌ વતી સરદાર વલ્લભભાઈને ભાવાંજલિ અર્પણ કરું છું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, ભારતના અખંડ શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ભેગા થયા છીએ. દેશની એકતા અને અખંડિતતા માટે સંકલ્પ લઈ એક ભારત અને શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રબળ બનાવવા માટે ફીટ ઇન્ડિયાના નારાને સાર્થક બનાવવા માટે આજે રનફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું છે. શહેરીજનો આ યુનિટી માર્ચને સફળ બનાવવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે. રાષ્ટ્રભાવનાની ચેતનામાં વધારો કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત યુનિટી માર્ચમાં મેદસ્વિતા મુક્ત અભિયાનમાં લોકો જોડાઈ અને સાર્થક કર્યું છે.

રાજકોટમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે રન ફોર યુનિટીનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. જેમાં પણ કુંવરજી બાવળીયા અને ભાજપના નેતાઓ સહિત મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓએ દોડ લગાવી હતી. જો કે, કાર્યક્રમ શરૂ થયા પહેલા ખુરશીઓ ભીની હોવાથી શરૂઆતમાં મહાનુભાવોએ ઊભા રહેવું પડ્યું હતું.