દેશની જન્નત ગણાતા જમ્મુ કાશ્મીરમાં ઠંડીનો કહેરઃ- લેહ-કારગિલમાં ઠંડીનો પારો માઈનસને પાર
- દેશભરમાં ઠંડીની શરુઆત
- જમ્મુ કાશ્મીરમાં માઈનસને પાર ઠંડીનો પારો
શ્રીનગરઃ- દેશભરમાં દિવાળીની શરુઆત સાથે જ ઠંડીની પણ શરુઆત થઈ ચૂકી છે, ત્યારે હવે ઠંડીનો પારો વધવા લાગ્યો છે, દેશની જન્નત ગણાતા જમ્મુ કાશ્મીરમાં ઠંડીએ માજા મૂકી છે, જમ્મુ અને કાશ્મીરમાં ઓક્ટોબર મહિનામાં વરસાદ અને હિમવર્ષાના કારણે પહાડી વિસ્તારો સમય પહેલા થીજવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી આ સિઝનમાં ત્રણ વખત હિમવર્ષા થઈ ચૂકી છે. જેના કારણે કાશ્મીર ઘાટીનું તાપમાન સામાન્ય કરતા 6 થી 9 ડિગ્રી નીચે આવી રહ્યું છે. આ સાથે જ લેહ અને કારગીલમાં ઠંડીનો પારો માઈનસમાં જોવા મળી રહ્યો છે.
જમ્મુ કાશ્મીરની આ સ્થિતિને લઈને હવામાન કેન્દ્ર શ્રીનગરના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં હવામાન સ્વચ્છ રહેશે, પરંતુ ઠંડી પણ તેની સાથે સાથે વધશે. ગત વર્ષની સરખામણીમાં આ વખતે પહાડી વિસ્તારોમાં બે સપ્તાહ અગાઉ હિમવર્ષા શરુ થઈ છે, જેના કારણે શિયાળામાં વધારો થયો છે.
કાશ્મીરના લગભગ તમામ જિલ્લાઓમાં દિવસનું મહત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જડોવા મળી રહ્યું છે.બીજી તરફ શ્રીનગરમાં સવારે વાદળછાયા વાતાવરણ બાદ બપોરે વાતાવરણ ખુલ્યું હતું, પરંતુ સાંજે ફરી વાદળછાયું થઈ ગયું હતું. અહીં દિવસનું તાપમાન 4.8 ડિગ્રી સેલ્સિયસ ઘટીને 14.5 ડિગ્રી સેલ્સિયસ થયું હતું. લઘુત્તમ તાપમાન 5.2 ડિગ્રી રહ્યું હતું. લઘુત્તમ તાપમાન માઈનસ 6.4 ડિગ્રી સેલ્સિયસ સાથે લેહ સૌથી ઠંડું હતું. કારગીલમાં પણ શિયાળામાં વધારો થયો છે અને ગઈકાલે રાત્રે અહીંનું લઘુત્તમ તાપમાન માઈનસ 3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ગુલમર્ગમાં ગઈકાલે રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ 2.0 અને પહેલગામમાં માઈનસ 0.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જમ્મુમાં દિવસભર વાતાવરણ સ્વચ્છ રહ્યું હતું. પરંતુ ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે.