Site icon Revoi.in

કલોલમાં મૃત કોન્ટ્રાટરના બેન્ક ખાતામાંથી 55 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ

Social Share

ગાંધીનગરઃ કલોલ નજીક વડસર સ્થિત એક કોલોનીમાં રહેતા કોન્ટ્રાકટનું 5થી6 મહિના પહેલા હ્રદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. ત્યારબાદ કોન્ટ્રાકટનો વિશ્વાસુ ગણાતા તેના એક કર્મચારીએ  પરિવારની જાણ બહાર જુદી જુદી બેન્કોના ખાતામાંથી કટકે કટકે રૂપિયા ઉપાડીને રૂપિયા 55 લાખની ઉચાપત કર્યાની કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી છે કે, કલોલ તાલુકાના વડસર સ્થિત ટાટા હાઉસિંગ કોલોનીમાં રહેતા કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર અખિલેશ અચ્છેલાલ ત્રિપાઠીનું ગત 11મી ઓગસ્ટે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેમના વિશ્વાસુ કર્મચારી દિવ્યાંશુ મહેન્દ્રપ્રતાપ તિવારીએ છેલ્લા સાત વર્ષમાં મૃતકના વિવિધ બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ.55 લાખની મોટી રકમની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપી દિવ્યાંશુએ જાન્યુઆરી 2017થી જાન્યુઆરી 2024 સુધીના સમયગાળામાં મૃતક અખિલેશ ત્રિપાઠીના કલોલ, વડોદરા અને અન્ય શહેરોમાં આવેલા વિવિધ બેંક એકાઉન્ટમાંથી પરિવારજનોની જાણ કે સંમતિ વિના રકમ ઉપાડી લીધી હતી. ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના ઉનુખાર થાના વિસ્તારના અખંડાનાગરના વતની આરોપી દિવ્યાંશુએ મૃતકના વિશ્વાસનો ભંગ કર્યો હતો.

આ સમગ્ર બાબતની જાણ થતાં મૃતકની પત્ની શારદા અખિલેશકુમાર ત્રિપાઠીએ કલોલ તાલુકા સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Exit mobile version