- NSUIના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ,
- ભાજપના 30 વર્ષના શાસનમાં શિક્ષણ ખાડે ગયાનો કાંગ્રેસનો આક્ષેપ,
- પોલીસે કોંગ્રેસના 50થી વધુ કાર્યકરોની અટક કરી
રાજકોટઃ ગુજરાતમાં શિક્ષણના ખાનગીકરણ અને ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસ દ્વારા “ગુજરાત શિક્ષણ બચાવો આંદોલન”નો આજથી પ્રારંભ કરાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શિત કરાયો હતો. આ સમયે NSUIના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી સર્જાતા યુનિવર્સિટીના ગેટને કાચ તૂટ્યો હતો. પોલીસે કોંગ્રેસ અને એનએસયુઆઈના 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કુલપતિ ડૉ. ઉત્પલ જોશી પોતે આવેદન સ્વીકારવા માટે આવ્યા હતા.
કોંગ્રેસ દ્વારા શિક્ષણના ખાનગીકરણ અને શિક્ષણમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે આજથી લડતનો પ્રારંભ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હોય કોંગ્રેસ અને એનએસયુઆઈના મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા. પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શિત કરાયો હતો. આ સમયે NSUIના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી સર્જાતા યુનિવર્સિટીના ગેટને કાચ તૂટ્યો હતો. કુલપતિ ડૉ. ઉત્પલ જોશી પોતે આવેદન સ્વીકારવા માટે આવ્યા બાદ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ મુખ્ય બિલ્ડિંગના ગેટમાં અંદર પ્રવેશવાનો બળજબરીથી પ્રયાસ કરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને તેને કારણે મુખ્ય દરવાજાનો કાચ તૂટી ગયો હતો અને ત્યારબાદ કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ કર્મીઓ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતુ. જેથી પોલીસે કોંગ્રેસ અને NSUI ના 50 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
ગુજરાતના કાર્યકારી પ્રદેશ પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. રાજ્યમાં આવેલી ખાનગી યુનિવર્સિટીઓ કે જે ભૂતિયા યુનિવર્સિટીઓ છે. જ્યાં એડમિશન લો અને ડિગ્રી લઈ જાઓ તે પ્રકારની પ્રક્રિયા ચાલે છે અને તેનાથી સરકારી યુનિવર્સિટીઓને ખતમ કરવાનું કામ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 10 કરોડનો હોલ 10 વર્ષે પણ તૈયાર થતો નથી. દાતાઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જમીન મળેલી છે પરંતુ તેની આજુબાજુ અસામાજિક તત્વોનું દબાણ જોવા મળે છે. કેમ્પસની આજુબાજુ ડ્રગ્સ જેવા દૂષણોનો કાળો કારોબાર ચાલે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ, પરીક્ષા, પરિણામ અને ડિગ્રીમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ ઉપરાંત કાયમી ભરતીના બદલે કોન્ટ્રાક આધારિત ભરતી કરવામાં આવે છે. પરીક્ષાના પરિણામ મોડા જાહેર થાય છે અને અનેક છબરડાઓ સામે આવે છે.
ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ એ રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ વેચવાનું કાવતરું છે. કાયમી ભરતી કરવાને બદલે ખાનગીકરણ કરવામાં આવે છે. ફી ચૂકવી વિદ્યાર્થીઓને લૂંટાવુ પડે છે. 10 વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં શારીરિક શિક્ષણના શિક્ષક, સંગીત, ચિત્ર અને કોમ્પ્યુટરના શિક્ષક તેમજ લાઇબ્રેરિયનની ભરતી થતી નથી. ગુજરાતમાં ભાજપના 30 વર્ષના શાસનમાં શિક્ષણ ખાડે ગયું છે. આ સાથે જ શિક્ષણમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે ત્યારે ગુજરાતના શિક્ષણને બચાવવા કોંગ્રેસનું આંદોલન રાજ્યમાં ઉગ્ર બનશે.