Site icon Revoi.in

સુરતમાં પ્રિ-મોન્સુન પ્લાનની નિષ્ફળતા અને ખાડીમાં પૂરની સ્થિતિને લઈને કોંગ્રેસના ધરણાં

Social Share

સુરતઃ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાતા અનેક લોકોના ઘરમાં પાણી ઘૂંસી ગયા હતા. ચોમાસા પહેલા વરસાદની સ્થિતિને પહોચી વળવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બનાવાયેલો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ સાબીત થયો હતો. મ્યુનિના સત્તાધિશોની નિષ્ફળતાને લઇને યુથ કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરી મ્યુનિની મુખ્ય કચેરીનો ઘેરાવ કર્યો હતો. “ભાજપ સામે ભારે સૂત્રોચ્ચાર થતાં પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.

સુરત મ્યુનિ.કોર્પોરેશનની સામાન્ય સભામાં વિરોધ કરવા માટે કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા. હાથમાં બેનરો સાથે શાસક પક્ષ પર નિષ્ફળ કામગીરીનો આરોપ લગાવ્યો અને તેમને “માટીની ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો”ના સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. એક કાર્યકર્તા તો પોલીસ વાન પર ચડીને વિરોધ પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. ચોક બજાર પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. ટીંગાટોળી કરીને તેમને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા, જેમાં એક કોંગ્રેસી કાર્યકર્તાને બેસાડવા માટે સાતથી આઠ પોલીસવાળાને મહેનત કરવી પડી હતી.

કોંગ્રેસના નેતા દિનેશ સાવલિયાએ જણાવ્યું હતું કે, “સુરત શહેરની અંદર છેલ્લા એક અઠવાડિયાથી પૂરની જે પરિસ્થિતિ છે તે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસકોના પાપે સર્જાઈ છે. ભારતીય જનતા પાર્ટીના શાસકો અને કોર્પોરેટરોને અમે કહેવા માંગીએ છીએ કે તમે આ માટીની ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો. કારણ કે સુરત શહેરમાં વારંવાર પાણી આવે છે અને તમે એક જ જગ્યાએ સુરતના લોકોને ડુબાડો છો. આ માટે અમે સુરત યુથ કોંગ્રેસ દ્વારા આ સંદેશ આપવા માટે આવ્યા છીએ.  કોંગ્રેસના અન્ય કાર્યકર્તા ફૈઝલ રંગુનીએ ઉમેર્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30-32 વર્ષથી શાસનમાં હોવા છતાં સુરતમાં પૂર અટકાવી નથી શકી, તેનો વિરોધ અમે કરી રહ્યા છીએ. જોકે, અમને વિરોધ પણ કરવા દેવામાં નથી આવી રહ્યો. અમે આવીએ તે પહેલા જ પોલીસને તહેનાત કરી દેવામાં આવી હતી.