- 200થી વધુ નાગરિકોએ આ મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆત કરી,
- વેપારીઓએ વિરોધ પ્રદર્શન કરીને તાત્કાલિક ધોરણે ડમ્પિંગ સાઈટ ખસેડવાની માગ કરી,
- મનપાના અણઘડ વહીવટનો કોંગ્રેસ નેતાનો આક્ષેપ
ગાંધીનગરઃ શહેરના પોશ ગણાતા સેક્ટર-7માં ઘન અને પ્રવાહી કચરાના ડમ્પિંગથી સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે વિરોધ ઊભો થયો છે. અગાઉ અનેક રજુઆતો છતાંયે ડમ્પિંગ સાઈટ હટાવવાનો નિર્ણય ન લેવાતા અંદાજે 200થી વધુ નાગરિકોએ આ મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆત કરી છે. શનિવારે કોંગ્રેસના નેજા હેઠળ વેપારીઓએ વિરોધ પ્રદર્શન કરીને તાત્કાલિક ધોરણે ડમ્પિંગ સાઈટ ખસેડવાની માગણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નિશિત વ્યાસે મ્યુનિ.કોર્પોરેશનના વહીવટ પર આકરા પ્રહારો કર્યા હતા.
ગાંધીનગર શહેરમાં સેક્ટર-7માં આવેલી શ્રી રામ એવન્યુ, સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્સ, શાકભાજી માર્કેટ, શોપિંગ સેન્ટરો અને અન્ય રહેણાંક વિસ્તારોના નાગરિકો છેલ્લા કેટલાક સમયથી આ ડમ્પિંગ સાઈટને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ વિસ્તારમાં સતત દુર્ગંધ આવતી હોવાથી આરોગ્યને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે અને રોગચાળો ફાટી નીકળવાની સંભાવના પણ વધી છે. નાગરિકોની રજુઆતો છતાયે મ્યુનિના સત્તાધિશો ઉદાસિન રહ્યા છે.
આ અંગે કોંગ્રેસના ઉપ પ્રમુખ નિશિત વ્યાસે વધુમાં કહ્યુ કે, સેક્ટર-7માં 150થી વધુ શાકભાજીના વેપારીઓ, નાના આઉટલેટ્સ, કોમ્યુનિટી હોલ, જૈન મંદિર, ભારત માતાનું મંદિર અને શૈક્ષણિક સંસ્થાઓ આવેલા છે. આ વિસ્તારમાં લોકોની સતત અવરજવર રહે છે. ડમ્પિંગ સાઇટને કારણે અહીં આવતા નાગરિકો અને વાહનચાલકો પણ ત્રાસી ગયા છે, જેના પરિણામે વેપારીઓના ધંધા પર પણ માઠી અસર પડી રહી છે. સ્થાનિકોએ અગાઉ આ ડમ્પિંગ સાઇટનો વિરોધ કર્યો હોવા છતાં મ્યુનિ. દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
તેમણે આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, આ ડમ્પિંગ સાઇટ મ્યુનિના ‘અણઘડ વહીવટનો આદર્શ નમૂનો’ છે. ગાંધીનગર એક કેપિટલ સિટી છે, જેની સ્થાપના ધુમાડા અને પ્રદૂષણ મુક્ત શહેર તરીકે થઈ હતી. આવા સંવેદનશીલ વિસ્તારમાં કચરાનો નિકાલ કરવો એ નિયમોનું ઉલ્લંઘન છે. તેમણે આક્ષેપ કર્યો કે મનપા ડમ્પિંગ માટે નિર્ધારિત કરેલી દૂરની જગ્યાને બદલે સેક્ટર-7 માં કચરો એકત્રિત કરીને પરોક્ષ રીતે કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડી રહી છે. તેમણે મનપાને અપીલ કરી છે કે આશરે 500 વેપારીઓ અને અસંખ્ય નાગરિકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ કરવુ જાઈએ.