
સંસદના બજેટ સત્રનો સાતમો દિવસ પણ ખૂબ જ ખાસ રહ્યો હતો. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવના જવાબમાં પીએમ મોદીએ રાજ્યસભામાં કોંગ્રેસ અને વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે આપણે બધાએ આગામી 25 વર્ષમાં દેશને કેવી રીતે આગળ લઈ જઈ શકાય તેના પર કામ કરવાનું છે. તેમજ કોંગ્રેસને પરિવારને સિવાય કંઈ દેખાતુ ના હોય તેમ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે કોરોના શરૂ થયો ત્યારે લોકોને હતું કે ભારતનું શું થશે. ભારતને કારણે દુનિયા પર શું અસર થશે તેની પણ ચર્ચા થઈ હતી. પરંતુ દેશના 130 કરોડ લોકોની ઈચ્છાશક્તિ અને અનુશાસનને કારણે સમગ્ર વિશ્વમાં ભારતના પ્રયાસોની પ્રશંસા થઈ રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે કોરોના દરમિયાન, ઘણા અવરોધો છતાં, અમે ગરીબો અને જરૂરિયાતમંદોને ઘર આપવાનું કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. કોરોનાના સમયગાળા દરમિયાન 80 કરોડથી વધુ દેશવાસીઓને મફત રાશન આપીને વિશ્વની સામે એક દાખલો બેસાડ્યો છે. કોરોના દરમિયાન 5 કરોડ ગ્રામીણ પરિવારોને સ્વચ્છ નળના પાણીના જોડાણો આપવામાં આવ્યા છે.
રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોનાના સમયગાળા દરમિયાન 80 કરોડથી વધુ દેશવાસીઓ માટે આટલા લાંબા ગાળા માટે મફત રાશનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી ક્યારેય એવી સ્થિતિ ઊભી ન થાય કે તેમના ઘરનો ચૂલો ન સળગે. ભારતે આ કામ કરીને વિશ્વની સામે એક દાખલો બેસાડ્યો છે. લોકડાઉન દરમિયાન અમારા ખેડૂતોએ અદ્ભુત કામ કર્યું છે. તેઓએ અભૂતપૂર્વ માત્રામાં ઉત્પાદન કર્યું અને અમે તેમની પાસેથી રેકોર્ડ સ્તરે ખરીદી કરી.
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, જો તમે મોંઘવારી સાથે યુપીએ યુગની તુલના કરશો તો તમને ખબર પડશે કે મોંઘવારી શું છે. યુપીએના સમયમાં મોંઘવારી બે આંકડામાં હતી. જો અમેરિકાની સરખામણી કરીએ તો ભારતમાં મોંઘવારી ઓછી છે. અમે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.
કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પરિવાર સિવાય કશું વિચારતી નથી. કેટલાક લોકો કહે છે કે જો કોંગ્રેસ ન હોત તો શું થાત…તો આજે હું કહીશ કે શું થયું હોત…વડાપ્રધાને કહ્યું કે જો કોંગ્રેસ ન હોત તો 1975માં લોકશાહીનું ગળું દબાયું ન હોત. લોકશાહીમાં પરિવારવાદ સૌથી મોટો ખતરો છે. જો કોંગ્રેસ ન હોત તો ઈમરજન્સીનું કલંક ન લાગત. જાતિવાદ અને પ્રાદેશિકવાદ વચ્ચેની ખાઈ એટલી ઊંડી ન હોત. જો કોંગ્રેસ ન હોત તો શીખોનો નરસંહાર થયો ન હોત. કાશ્મીરના પંડિતોને કાશ્મીર છોડવાનો સમય ના આવ્યો હોત. કોંગ્રેસ ન હોત તો દેશનો વિકાસ અટક્યો ન હોત. જો કોંગ્રેસ ન હોત તો દાયકાઓ સુધી ભ્રષ્ટાચારનું સંસ્થાકીયકરણ ન થયું હોત. જો કોંગ્રેસ ન હોત તો તંદુરમાં દીકરીઓને સળગાવવાની ઘટનાઓ ન બની હોત, જો કોંગ્રેસ ન હોત તો દેશના સામાન્ય માણસને પ્રાથમિક સુવિધાઓ માટે આટલા વર્ષો સુધી રાહ જોવી ન પડી હોત.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે મારી સાથે જે અત્યાચાર થયો તે હું ભૂલી શકતો નથી. દિલ્હી સરકારે આ અત્યાચાર કર્યો પણ હું જાણતો હતો કે દેશના વિકાસ માટે ગુજરાતનો વિકાસ જરૂરી છે. રાજ્યની પ્રગતિથી જ દેશની પ્રગતિ થશે.
રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં કેટલીક પાર્ટીના કેટલાક મોટા નેતાઓ દ્વારા બતાવવામાં આવેલી અપરિપક્વતાએ દેશને ખૂબ જ નિરાશ કર્યો છે. અમે જોયું કે કેવી રીતે રાજકીય સ્વાર્થમાં રમતો રમાય છે, ભારતીય રસી સામે ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેટલાક લોકો એવું જ માને છે કે ભારતનો જન્મ 1947માં થયો હતો અને ભારતમાં છેલ્લા 75 વર્ષમાં જેમને 50 વર્ષ સુધી કામ કરવાની તક મળી તેઓ પણ આ માનસિકતાથી પ્રભાવિત થયા છે, જેના કારણે ઘણી વિકૃતિઓ ઊભી થઈ છે.
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસને પણ દેશની સમસ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે જો આવું છે તો તમારી પાર્ટીનું નામ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ કેમ છે, જો કોઈ સમસ્યા હોય તો પાર્ટીનું નામ બદલીને ફેડરેશન ઓફ કોંગ્રેસ રાખવું જોઈએ.
પીએમ મોદીએ રોજગાર વિશે જણાવ્યું કે 2021માં 1.20 કરોડ લોકો EPFO સાથે જોડાયેલા છે, આ બધી ઔપચારિક નોકરીઓ છે. તેમાંથી 65 લાખ 18-25 વર્ષની વય જૂથના છે, એટલે કે આ લોકો પ્રથમ વખત જોબ માર્કેટમાં પ્રવેશ્યા છે. કોવિડ પ્રતિબંધો ખુલ્યા પછી ભરતી બમણી થઈ ગઈ છે.
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અર્બન નક્સલની જાળમાં ફસાઈ ગઈ છે. શહેરી નક્સલીઓએ તેમની વિચારસરણી પર કબજો જમાવ્યો છે અને આ દેશ માટે ચિંતાનો વિષય છે. કોંગ્રેસની દુર્દશાનો ફાયદો ઉઠાવીને શહેરી નક્સલીઓએ આ કર્યું છે. અમે ઈતિહાસ બદલવા નથી ઈચ્છતા, માત્ર અમુક લોકોની યાદશક્તિ વધારવા ઈચ્છીએ છીએ.