Site icon Revoi.in

ગુજરાતમાં 8 વર્ષ જુના કોમર્શિયલ વાહનોને સ્ક્રેપ કરાશે તો બાકી લેણાં માફ કરવા વિચારણા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષો જુના કોમર્શિયલ વાહનોને લીધે પ્રદૂષણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે રોડ-રસ્તાઓ પરથી વર્ષો જુના વાહનોનો ભાર હળવો કરવા માટે નવી સ્ક્રેપની યોજના બનાવી છે. જેમાં 8 વર્ષ જુના કોમર્શીયલ વાહનોને વાહન માલિક સ્ક્રેપ કરાવવા ઈચ્છે તો વાહન પર રહેલા ટેકસ અને ચલણના બાકી લેણા માફ કરી આપવામાં આવશે.આ નિર્ણયની અમલવારી ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મે થી કરવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાતમાં ઉદ્યોગો તેમજ બંદરના કારણે કોમર્શીયલ વાહનોનું પરિવહન વધારે છે. જુના વાહનો માર્ગો પર દોડતા હોય તેનાથી અકસ્માત થવાની સંભાવના વધી જાય છે આ ઉપરાંત અગાઉ સરકાર દ્વારા સ્ક્રેપ પોલીસી લાગુ કરવામાં આવી હતી. જેમાં સરકારી વાહનો ફરજીયાત 15 વર્ષે સ્ક્રેપ કરાવવા સૂચના અપાઈ છે ત્યારે હવે કોમર્શિયલ વાહનો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. હાલમાં કોઈ પોતાના બસ, ટ્રક કે ડમ્પરનું આયુષ્ય જોઈ સ્ક્રેપ કરાવવા ઇચ્છે તો ટેક્સ,ચલણ સહિતના લેણા ક્લિયર કરાવવા પડે છે. જેથી વાહનની ભંગાર કિંમત કરતા બમણી રકમ તો લેણા ચુકવવામાં થઈ જાય છે ત્યારે 1 મે 2025 થી ગુજરાતમાં લાગુ થનાર આ નવી સ્ક્રેપ પોલીસીમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં વાહનની રજિસ્ટ્રેશન તારીખથી 8 વર્ષ થયાં હશે અને માલિક તેને સ્ક્રેપ કરાવવા ઈચ્છે તો તેના રિકરિંગ વેરા,ઓનલાઇન ચલણ સહિતના આરટીઓના લેણા માફ થશે. આ બાબતે આગામી દિવસોમાં વિભાગ દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

રાજ્યમાં સરકાર માન્ય કુલ 5 વાહન સ્ક્રેપ સેન્ટર કાર્યરત છે.  જેમાં 2 ખેડા તેમજ બાકીના અમદાવાદ, સુરત અને ભાવનગર અલંગ રોડ પર આવેલા છે.કચ્છ રાજ્યનો સૌથી વિશાળ તેમજ સૌથી વધારે ટ્રાન્સપોર્ટ વાહનો ધરાવતો જિલ્લો છે ત્યારે આ જિલ્લામાં સ્ક્રેપ સેન્ટર હોવુ જોઈએ તેવી માંગણી ઉઠી છે.