Site icon Revoi.in

ગાંધીનગરમાં અસહ્ય તાપમાનને લીધે બપોરે 1થી 4 સુધી બાંધકામ સાઈટ્સ બંધ રહેશે

Social Share

ગાંધીનગરઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારો થતાં શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે. જેમાં બાંધકામની સાઈટ પર કામ કરતા શ્રમિકોની હાલત કફોડી બની હતી. ત્યારે જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ બાંધકામ સાઈટો પર બપોરે 1થી 4 દરમિયાન કામ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. બપોરના ટાણે 1થી 4 વાગ્યા સુધી બાંધકામની સાઈટ પર કામકાજ બંધ રહેશે. આ ઉપરાંત શ્રમિકોને લીંબુનું શરબત, ઠંડા પાણી અને વિશ્રામ માટે છાંયડાની વ્યવસ્થા કરવા પણ સુચના આપવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ ગાંધીનગર શહેરના  ગિફ્ટ સિટી ખાતે રેવા અને શિવાલિક સહિતની વિવિધ બાંધકામ સાઈટ્સની ઓચિંતી મુલાકાત લઈને શ્રમિકો સાથે વાતચીત કરી તેમની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. શ્રમિકોની સ્થિતિ જોઈને તેમણે તાત્કાલિક અસરથી આ નિર્ણય લીધો છે.  કલેક્ટરે બિલ્ડરોને શ્રમિકો માટે ઠંડુ પાણી, લીંબુ શરબત અને છાશની વ્યવસ્થા કરવાનું સૂચન કર્યું છે. તેમણે શ્રમિકોની સુરક્ષા માટે હેલ્મેટ સહિતના સાધનોના ઉપયોગની પણ ચકાસણી કરી હતી.

કલેક્ટરે માણસા, કલોલ અને દહેગામ વિસ્તારની બાંધકામ સાઈટોની મુલાકાત લેવા અધિકારીઓને સૂચના આપી છે. કલેક્ટરની સાથે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના નાયબ નિયામક જે.બી.બોડાત અને બીઓસી ઈન્સ્પેક્ટર એન.એન.પટેલ પણ હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટર રજાના દિવસે પણ બાંધકામ સાઈટોની મુલાકાત લઈ રહ્યા છે. તેઓ શ્રમિકો માટે સુરક્ષાત્મક અને સુવિધાજનક પગલાંની ચકાસણી કરી રહ્યા છે.

Exit mobile version