Site icon Revoi.in

અમદાવાદના સુભાષબ્રિજને તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીએ આપી સલાહ, હવે નવો બ્રિજ બનાવાશે

Social Share

અમદાવાદ 24 ડિસેમ્બર 2025ઃ consultant agency’s advice to demolish Subhash Bridge  શહેરના 5 દાયકા જુના સુભાષબ્રિજમાં તિરાડ હોવાનો અને સ્પાનનો ભાગ બેસી જતા છેલ્લા કેટલાક દિવસથી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ માટે અલગ અલગ નિષ્ણાતો પાસે ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું. જેમાં કન્સલ્ટન્ટ એજન્સીએ એએમસીને રિપાર્ટ સુપરત કરી દીધો છે. એજન્સીએ ત્રણ વિકલ્પ સુચવ્યા છે. અને બ્રિજને તોડી પાડવાની સલાહ આપી હોવાનું કહેવાય છે. ત્યારે એએમસીના સત્તાધિશો પણ સુભાષબ્રિજ તોડીને નવો ફોરલેન બ્રિજ બનાવવાની વિચારણા કરી રહ્યા છે. જો કે આ અંગે રાજ્ય સરકાર સાથે પરામર્શ બાદ સત્તાવાર નિર્ણય લેવામાં આવશે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિકથી વ્યસ્ત ગણાતો અને શહેરના પૂર્વ અને પશ્વિમ ભાગને જોડતા સુભાષબ્રિજ પર તિરાડ હોવાનો અને સ્પાનનો ભાગ બેસી જતા છેલ્લા કેટલાક દિવસથી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સુભાષ બ્રિજ બંધ કરાતા ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. એએમસી દ્વારા  સુભાષબ્રિજનું અલગ અલગ નિષ્ણાતો પાસે ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું, જેમાં કન્સલ્ટન્ટ એજન્સીઓએ બ્રિજને તોડી પાડવાની સલાહ આપી છે. બ્રિજનું 50 વર્ષથી વધુનું આયુષ્ય, જૂની ટેક્નોલોજી અને ટ્રાફિકના વધતા ભારણને કારણે આ બ્રિજને તોડવાનો જ બેસ્ટ વિકલ્પ છે.

અમદાવાદના સુભાષબ્રિજમાં તિરાડ હોવાનો અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના ગઈ 4 ડિસેમ્બરના રોજ સામે આવી હતી. ત્યાર બાદ તંત્ર દ્વારા બ્રિજને બંધ કરીને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરાવવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને અમુક એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓને બ્રિજની મજબૂતાઈ ચકાસવાનું તેમજ રિપેરિંગ માટેના રસ્તા સૂચવવાનું કામ સોંપ્યું હતું. આ ઉપરાંત IIT રૂડકી, IIT મુંબઈ તેમજ SVNIT જેવી સંસ્થાઓ પાસે ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. કન્સલ્ટન્ટ એજન્સીઓએ ગઈકાલે તા.23 ડિસેમ્બર, મંગળવારે તેમનો રિપોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપી દીધો છે. જેમાં મુખ્ય ત્રણ પ્રકારના સોલ્યુશન સૂચવવામાં આવ્યા છે. એમાં એક વિકલ્પ બ્રિજને તોડી પાડવાનો છે, જ્યારે બીજો વિકલ્પ બ્રિજનો જે ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે એ સ્પાનની નીચે વધારાનો એક પિલર ઊભો કરીને મજબૂતાઈ આપવાનો છે. જ્યારે ત્રીજો વિકલ્પ બ્રિજનું ઉપરનું તમામ સ્ટ્રક્ચર નીચે ઉતારી સ્ટીલનું સ્ટ્રક્ચર બનાવી બ્રિજને ચાલુ કરવાનો છે, જોકે નાગરિકોની સલામતી અને શહેરના વિકાસને ઘ્યાનમાં રાખી લાંબા ગાળા પ્લાનિંગ મુજબ જૂના બ્રિજને તોડી નવો બ્રિજ બનાવવાનો જ બેસ્ટ વિકલ્પ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, કન્સલ્ટન્ટ એજન્સીઓએ સૂચવેલા ત્રણેય વિકલ્પમાં તંત્રને સૌથી સારો વિકલ્પ બ્રિજને તોડી પાડવાનો લાગ્યો હોવાનું કહેવાય છે.  કારણ કે સુભાષબ્રિજ જૂની ટેક્નોલોજીથી બનેલો છે અને આયુષ્ય 50 વર્ષનું થઈ ચૂક્યું છે. આ ઉપરાંત ડિઝાઈન પણ નવા જમાનાના ટ્રાફિકને અનુરૂપ નથી. આવી સ્થિતિમાં રિપેરિંગ કરવા કરતાં સુભાષબ્રિજને હવે મોટો અને પહોળો બનાવવામાં આવશે.

Exit mobile version