Site icon Revoi.in

કચ્છના કન્ટેનર ટ્રાન્સપોર્ટરોએ ભાડામાં 20 ટકાનો તોતિંગ વધારો કર્યો

Social Share

ભૂજ, 24 માર્ચ 2026: Container transporters hike fares  કચ્છમાં કંડલા પોર્ટ અને મુદ્રા પોર્ટ પર સૌથી વધુ આયાત-નિકાસ થતી હોય છે. દેશના વિવિધ ભાગોમાં કન્ટેનરોની ટ્રક-ટ્રાન્સપોર્ટ દ્વારા હેરાફેરી કરાતી હોય છે. ત્યારે ડીઝલની અછત અને સ્પેરપાર્ટ્સના વધતા ભાવને પગલે કંડલા મુંદ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન (KMCTWA) દ્વારા ટ્રાન્સપોર્ટ દરોમાં 20 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખાડી યુદ્ધને લીધે નિકાસકારો મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે કન્ટેનર ટ્રાન્સપોર્ટરોએ ભાડામાં વધારો કરતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થશે.

કન્ટેનર ટ્રાન્સપોર્ટના ભાડાના નવા દરોનો આજથી એટલે કે મંગળવાર, 24 માર્ચ 2026થી લાગુ કરી દેવામાં આવ્યો છે. કંડલા મુંદ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશને કરેલી જાહેરાતમાં મુખ્ય કારણો જણાવતા કહ્યું હતું કે, યુદ્ધની સ્થિતિને કારણે રિટેલ પંપો પર ડીઝલનો પુરવઠો મર્યાદિત છે. અને સરકારે ઇન્ડસ્ટ્રિયલ ડીઝલના ભાવ વધારીને રૂ.112 પ્રતિ લીટર કરી દીધા છે. ત્યારે સમયસર ડિલિવરી આપવા માટે ટ્રાન્સપોર્ટરોએ મોંઘા ભાવે ડીઝલ ખરીદવું પડી રહ્યું છે. તેમજ ટાયર કંપનીઓ અને સ્પેરપાર્ટ્સના ડીલરોએ પણ ભાવમાં 3 થી 4 ટકાનો વધારો ઝીંક્યો છે. એટલે નાછૂટકે ભાડાના દરમાં વધારો કરવાની ફરજ પડી છે. એસોના પ્રમુખ ભાગીરથસિંહ જાડેજાએ કહ્યું હતું  કે, તમામ ડેસ્ટિનેશન માટે ભાડામાં 20% વધારો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, હવે ટ્રાન્સપોર્ટરોને 24 કલાકમાં અપફ્રન્ટ પેમેન્ટ (રોકડ જેવું ચૂકવણું) કરવું પડશે, કારણ કે અન્ય તમામ આનુષંગિક સેવાઓ પૂરી પાડનારા પણ એ જ રીતે પેમેન્ટ માંગી રહ્યા છે. મિડલ ઈસ્ટની સ્થિતિ સામાન્ય થતા જ આ વધારો પાછો ખેંચી લેવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

સૂત્રોના કહેવા મુજબ માલ-સામાનની હેરફેરનો ખર્ચ વધવાથી ઉત્પાદન ખર્ચ ઊંચો જશે,  કન્ટેનર દ્વારા આવતા કાચા માલ કે તૈયાર માલના ભાડા વધતા તેની સીધી અસર સામાન્ય ગ્રાહકો પર પડશે. ખાધ્ય પદાર્થો, ઈલેક્ટ્રોનિક્સ અને કપડાં જેવી વસ્તુઓ મોંઘી થઈ શકે છે. ઉદ્યોગો માટે માલ સામાનની હેરફેરનો ખર્ચ વધવાથી ઉત્પાદન ખર્ચ ઊંચો જશે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરી રહેલા ભારતીય નિકાસકારો (Exporters) માટે લોજિસ્ટિક્સ ખર્ચ વધતા તેમનો નફો ઘટશે અથવા તેમની વસ્તુઓ વિદેશી બજારમાં મોંઘી થશે. આ ઉપરાંત નવી શરત મુજબ 24 કલાકમાં અપફ્રન્ટ પેમેન્ટ કરવાનું હોવાથી નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પર આર્થિક દબાણ વધશે, બજારમાં જે ઉધાર (Credit) પર કામ થતું હતું, તે વ્યવસ્થા ખોરવાઈ શકે છે.જેમની પાસે તરલતા ઓછી છે, તેવા નાના એકમોને માલ મોકલવામાં મુશ્કેલી પડી શકે છે.

Exit mobile version