Site icon Revoi.in

મોરબીમાં AAPની જનસભામાં ઈસુદાનને સવાલ કરાતા યુવકને કાર્યકરે ઝાપટ મારતા વિવાદ

Social Share

રાજકોટઃ મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા ‘ગુજરાત જોડો અભિયાન’ હેઠળ જાહેર સભાનું આયોજન કરાયું હતું. જાહેર સભામાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના પ્રવચન દરમિયાન એક યુવકે કેજરીવાલ વિશે પ્રશ્ન પૂછતા આપના એક કાર્યકરે પ્રશ્ન કરનારને લાફો ઝીંકી દેતા સભામાં ભારે હોબાળો થઈ ગયો હતો.

આ બનાવની વિગત એવી છે કે, મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વાવડી રોડ પર આવેલા રાજનગરમાં યોજાયેલી જનસભામાં ઈસુદાન ગઢવી ભાષણ આપી રહ્યા હતા. ત્યારે એક યુવક દિલ્હીમાં AAP સરકાર વિશે પૂછવા માટે સ્ટેજ પાસે પહોંચ્યો હતો. તેણે માઇક હાથમાં લીધું અને દિલ્હીમાં AAPનું શાસન અને યમુના નદી વિશે સવાલ કર્યો. જોકે, આ દરમિયાન એક AAP કાર્યકર્તાએ માઇક છીનવી લીધું અને જાહેરમાં તેને લાફો ઝીંકી દીધો. ત્યારબાદ ત્યાં ભારે હોબાળો થયો હતો. જોકે, થોડીવાર બાદ આખો મામલો થાળે પાડવામાં આવ્યો હતો. અને બાદમાં ઈસુદાન ગઢવીએ યુવકના સવાલનો જવાબ પણ આપ્યો હતો.

આપની જાહેરસભામાં યુવકે સવાલ કર્યો હતો કે, ‘દિલ્હીમાં યમુના નદીના પાણી ઘૂસી જાય છે. દસ વર્ષથી ત્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે, તો તેમણે શું કર્યું છે? આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર કરતી નથી તેવું તમે કહો છો, તો તમારા નેતાઓને 12 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું. જો તેઓ નિર્દોષ હતા, તો તેમણે રાજીનામું કેમ ન આપ્યું? દિલ્હીમાં જે રીતે ઝૂંપડપટ્ટીઓ વસાવી છે, શું અહીં મોરબીમાં પણ એ જ રીતે ઝૂંપડપટ્ટી વસાવવામાં આવશે?’ આ મામલે, વિવાદ શાંત થતા ઈસુદાન ગઢવીએ જવાબ આપ્યો કે, ‘યમુના નદીમાં જે ગંદકી આવે છે તે દિલ્હીની નથી, પરંતુ ઉત્તરપ્રદેશ અને હરિયાણાથી આવે છે.   કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ, યમુના કરતા પણ સાબરમતી નદી વધુ ગંદી છે.’  નેતાઓ પર લાગેલા આરોપો અંગે તેમણે સત્યેન્દ્ર જૈનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘તેમને અઢી વર્ષ જેલમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ હાઈકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. તેવી જ રીતે, અરવિંદ કેજરીવાલની દારૂ કૌભાંડમાં ધરપકડ થઈ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે, આમાં કશું નથી, જેથી તેઓ પણ નિર્દોષ સાબિત થશે. જ્યારે ટ્રમ્પના પત્ની દિલ્હી આવ્યા હતા, ત્યારે તેમણે ત્યાંની સ્કૂલો જોઈ હતી. દિલ્હી એકમાત્ર એવું રાજ્ય છે જે લોકોને તમામ વસ્તુઓ મફત આપવા છતાં નફામાં ચાલે છે.’

 

Exit mobile version