
પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં વિવાદ, પૂર્વ ક્રિકેટરે કેપ્ટન મોહમ્મદ રિઝવાન ઉપર લગાવ્યો આરોપ
મોહમ્મદ રિઝવાનને પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બન્યાને માત્ર ચાર મહિના જ થયા છે. ત્યારે હવે તેની સામે આરોપો લગાવવાનું શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર બાસિત અલીએ મોટો દાવો કર્યો છે કે કેપ્ટન રિઝવાન ટીમમાં ફહીમ અશરફને સામેલ કરાતા ખુશ નથી. બાસિત અલીનું આ નિવેદન ટ્રાઇ સિરીઝ 2025 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે પાકિસ્તાનની 5 વિકેટથી હાર બાદ આવ્યું છે. ફાઇનલ મેચમાં, ફહીમ અશરફે બેટિંગ કરતી વખતે 22 રન બનાવ્યા, જ્યારે તેણે ફક્ત 2.2 ઓવર ફેંકી હતી.
અનુભવી ક્રિકેટર બાસિત અલીએ પોતાની યુટ્યુબ ચેનલ પર ચર્ચા દરમિયાન દાવો કર્યો હતો કે જે રીતે મોહમ્મદ રિઝવાને ફાઇનલ મેચમાં ફહીમ અશરફને બોલિંગ કરાવ્યો હતો. એ સ્પષ્ટ છે કે તે અશરફના ટીમમાં સમાવેશથી ખુશ નથી. અશરફે શરૂઆતમાં 2 ઓવર ફેંકી હતી, ત્યારબાદ પાકિસ્તાનની હાર નિશ્ચિત હતી ત્યારે રિઝવાને તેને ફરીથી બોલિંગમાં લાવ્યો હતો.
જ્યારે ફહીમ અશરફને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સામેલ કરવામાં આવ્યો ત્યારે તેની પસંદગી પર પ્રશ્નો ઉભા થયા હતા. ત્રિકોણીય શ્રેણીમાં પાછા ફરતા પહેલા, તે છેલ્લે 2023 એશિયા કપમાં પાકિસ્તાન ટીમ માટે રમતા જોવા મળ્યો હતો. આટલા લાંબા સમય સુધી પાકિસ્તાન ટીમમાંથી ગેરહાજર રહેવા છતાં, ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સામેલ થયા પછી તે ટીકાનો ભોગ બન્યો હતો. તેને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો.
ફહીમ અશરફે 2017 માં પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેના પ્રદર્શનમાં સાતત્યનો અભાવ રહ્યો છે, જેના કારણે તે વારંવાર ટીમની બહાર રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં 17 ટેસ્ટ મેચોમાં 678 રન બનાવ્યા છે અને 25 વિકેટ લીધી છે. તેના નામે 35 વનડે મેચોમાં 26 વિકેટ છે. તેણે T20 ક્રિકેટમાં 36 વિકેટ પણ લીધી છે.