
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ 5 વર્ષમાં જ જર્જરિત બની જતાં બ્રિજના કામમાં યોગ્ય મટિરિયલનો ઉપયોગ ના થયાનો તેમજ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થઈ રહ્યા છે. આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા પણ આ મામલે નિષ્પક્ષ તપાસની માગણી કરવામાં આવી હતી. ત્યારે મ્યુનિ.કમિશનરે તપાસ માટે એક કમિટીની રચના કરી છે. કમિટીમાં કથિત બ્લેકલિસ્ટ કરેલી કંપનીઓના પ્રતિનિધિઓની નિમણૂકો કરતા કમિટી સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે. મ્યુનિસિપલ કમિશનરે જે કમિટીના સભ્યોની નિમણૂક કરી છે તે સભ્યો અગાઉ ભૂતકાળમાં બ્રિજ મામલે વિવાદમાં આવી ચૂક્યા છે. ભૂતકાળમાં બ્રિજ દુર્ઘટનામાં જે કંપનીઓ બ્લેકલિસ્ટ અને તેના એન્જિનિયરો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હોય તે જ કંપનીઓ દ્વારા હવે હાટકેશ્વર બ્રિજની મજબૂતાઈથી લઈ અને બ્રિજને રિપેરિંગ કરવો, આખો બનાવવો કે કેવી રીતે મજબૂત કરવો તે વગેરેની તપાસ કરી અને રિપોર્ટ આપશે અને તેના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ મામલે નિર્ણય લેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો હાટકેશ્વર બ્રિજ જર્જરિત બની જતાં વિવાદ ઊભો થયો હતો. મ્યુનિ. કમિશનરે આ મામલે તપાસ માટે નિમેલી પેનલ સામે સવાલો ઊભા થયા છે. મ્યુનિ. કમિશનરે કમિટીમાં જેમનો સમાવેશ કર્યો છે. તેમની સામે કહેવાય છે. કે, ભૂતકાળ અનેક આક્ષેપો થયેલા છે. જેમાં સુરતમાં વર્ષ 2013માં અઠવા લાઈન્સ બ્રિજ ધરાશાયી થયો હતો. જેમાં 3 વ્યક્તિના મૃત્યુ થયા હતા. આ બ્રિજના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે સ્પેક્ટ્રમ ટેક્નો હોવાનું જાણવા મળ્યું છે. અન્ય એક ટંડન કન્સલ્ટન્ટ સામે પણ બેદરકારીનો આરોપ લાગ્યો હતો.
સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, અમદાવાદના મ્યુનિ.કમિશનરે કમિટીમાં દિલ્લીની ટંડન કન્સલ્ટન્ટન્સ પ્રાઇવેટ લિમિટેડ અને સ્પેક્ટ્રમ ટેકનો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એમડીનો સમાવેશ કરાયો છે. જો કે ભૂતકાળમાં બંને કંપનીઓની બ્રિજ દુર્ઘટના મામલે બેદરકારી સામે આવી હતી. દિલ્લી અને સુરતમાં બંને કંપનીઓ સામે ભૂતકાળમાં બ્લેકલિસ્ટની સાથે એન્જિનિયરોની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જે કંપનીઓ સામે દિલ્લી સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અગાઉ પોલીસ ફરિયાદથી લઇ અને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ કંપનીઓ હવે અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મામલે તપાસ કરી અને રિપોર્ટ આપશે. જેથી આ કમિટીના સભ્યો સામે સવાલો ઉભા થયા છે. મ્યુનિ. કમિશનરે નવી બનેલી પેનલમાં સ્પેક્ટ્રમ ટેક્નો, ટંડન કન્સલ્ટન્ટ, આઈઆઈટી રુરકીના પ્રોફેસરની નિયુક્તિ કરી છે. જેમાં સ્પેક્ટ્રન ટેકનોને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી તરીકે સુરતના અઠવા લાઈન્સ બ્રિજની કામગીરી સોંપાઈ હતી. 2013માં આ બ્રિજ ધરાશાયી થતા સુરત મ્યુનિ.ના જવાબદાર એન્જિનિયર સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. આ ઉપરાંત ટંડન કન્સલ્ટન્સી સામે પણ દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં તૂટી પડેલા ફૂટ ઓવરબ્રિજની ડિઝાઈનમાં પણ જવાબદારી નક્કી કરવામાં આવી હતી. આ ઉપરાંત દિલ્હીમાં ઝમરુદપુર ખાતે મેટ્રોનો પિલર તૂટી પડતાં 6 વ્યક્તિના મૃત્યુ થયા હતા. આ કેસમાં પણ દિલ્હીના મેટ્રો રેલ કોર્પોરેશને ટંડન કન્સલ્ટન્ટને 2009થી 2010ના એમ કુલ 2 વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો હતો. આમ છતાં આ બંને વિવાદાસ્પદ કન્સલ્ટન્ટને હાટકેશ્વરના બ્રિજની વધુ તપાસ માટે નિયુક્તિ કરવામાં આવતા વિવાદ ઊભો થયો છે.