
કોરોનાને લીધે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરની આવકમાં 50 ટકાનો ઘટાડો
નડિયાદઃ કોરોનાના કપરા કાળમાં મંદિરોની આવકમાં પણ ઘટાડો થયો છે. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડ રાયજી મંદિરને મળનારા દાન, ચઢાવો અને જુદા જુદા પ્રકારની આવકમાં 50 ટકા કરતા વધારે ઘટાડો નોંધાયો છે.
યાત્રાધામ રણછોડરાયજી મંદિરના ઓફિસ સ્ટાફ તરફથી મળતી વિગતો મુજબ કોરોના કાળ દરમિયાન ભક્તોની સંખ્યામાં વર્ષ 2020-21 દરમિયાન ઘટાડો નોંધાયો છે. જેની સીધી અસર મંદિરમાં આવતા દાન, ચઢાવો અને પ્રસાદી વિતરણ ઉપર પડી છે. જેના કારણે મંદિરની વાર્ષિક આવકમાં ઘટાડો થયો છે. મંદિર પ્રસાસનના સૂત્રોએ જણાવ્યુ હતું કે વર્ષ 2019-20 દરમિયાન મંદિરને રૂ.12 કરોડની આવક થઇ હતી, જે વર્ષ 20-21 દરમ્યાન ઘટીને 6.50 ની આસપાસ પહોચી ગઇ છે. કોરોનાને લીધે દર્શનાર્થીઓ માટે મંદિરના દરવાજા બંધ કરવામાં આવ્યા છે.
પુજારીઓ દ્વારા ઠાકોરજીને પૂજા-આરતી કરવામાં આવે છે. ભક્તો ન આવતા મંદિરને મળતી દાનની રકમમાં પણ ઘટાડો થયો છે. આ વખતે ફાગણી પુનમે પણ કોરોનાને લીધે ભગવાનના દર્શન માટે નિયંત્રણો મુકવામાં આવ્યા હતા. દર વર્ષે ઠાકોરજીના દર્શન માટે હજારોની સંખ્યામાં પગપાળા યાત્રિકો આવતા હોય છે. પણ આ વર્ષે કોરોનાને લીધે સરકારે ગાઈડલાઈન જાહેર કરતા યાત્રિકો દર્શન માટે આવ્યા નહોતા. ઉપરાંત મંદિરમાં ઊજવાતા ઉત્સવો પર પણ રોક લગાવવામાં આવી હતી એટલે ભાવિકો દર્શન માટે આવ્યા જ નથી. પુનમ ભરવા આવતા ભાવિકો પણ આવતા નથી. આ ભદા કારોને લીધે મંદિરની આવકમાં ઘટાડો થયો છે.