કોરોના સંકટઃ દેશના 11 પૈકી 7 શહેરમાં 50 ટકા પ્રજા માસ્ક પહેરવાનું ટાળે છે, સર્વેમાં ખુલાસો
દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે કેન્દ્ર, વિવિધ રાજ્ય સરકારો અને તબીબો પ્રજાને માસ્ક પહેરવાની સાથે સામાજીક અંતર જાળવવા વિનંતી કરી રહી છે. દરમિયાન દેશના 11 શહેરમાં એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં મુંબઈમાં સૌથી વધારે 78 ટકા લોકો માસ્ક પહેરતા હોવાનું સામે આવ્યું છે. આમ મહાનગર મુંબઈની જનતા માસ્ક સહિતની કોરોનાની ગાઈડલાઈનના પાલનમાં ગંભીર હોવાનું મનાઈ રહ્યું છે. આ 11 શહેર પૈકી સાત શહેરની 50 ટકાથી વધુ જનતા માસ્ક પહેરતી નથી. માસ્ક પહેરવા બાબતે પુરુષોની સરખામણીએ મહિલાઓ વધારે ગંભીર હોવાનું સામે આવ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર એક સંસ્થા દ્વારા મુંબઈ, કલકત્તા, હૈદરાબાદ, જમ્મુ, દિલ્હી, ગુવાહાટી, રાયપુર, ચંડીગઢ, શિમલા, ચેન્નઈ અને પુણે શહેરમાં માસ્ક પહેરવાના વલણ વિશે જાણકારી મેળવવા અભ્યાસ હાથ ધર્યો હતો. જેમાં 78 ટકા મુંબઈગરા માસ્ક પહેરતા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ચંડીગઢ, રાયપુર અને કલકત્તા જેવાં શહેરોની 50 ટકા જેટલી વસ્તી માસ્ક પહેરવાનું ટાળતી હોવાનું સામે આવ્યું છે. રાયપુરના 60 ટકા અને ચંડીગઢના 52 ટકા નગરજનો માસ્ક પહેરતા નથી. દિલ્હીની 48 ટકા વસ્તી માસ્ક વિના ફરે છે. અભ્યાસમાં તમામ શહેરોમાં પુરુષો કરતાં મહિલાઓ માસ્કનો વધુ ઉપયોગ કરતી હોવાનું પણ જાણવા મળ્યું હતું. સર્વેમાં કોરોના વાઇરસ સામે સૌથી વધુ રક્ષણાત્મક ગણાતા એન-95ની તુલનામાં કાપડના માસ્ક વધુ લોકપ્રિય જણાયા હતા. માસ્ક અને સમાજીક અંતરનું પાલન કરીને કોરોના સામેની લડાઈને વધારે મજબુત બનાવવા માટે સરકાર દ્વારા સતત અપીલ કરવામાં આવે છે.