
દેશમાં કોરોના વેક્સિનેશનનો આંકડો 38.50 કરોડને પાર, મંગળવારે 34 લાખથી વધુ લોકોને રસી મળી
- કોરોનાથી બચવા વેક્સિન ખૂબ જ જરૂરી
- દેશમાં કોરોના રસીકરણનો આંકડો 38.50 કરોડને પાર
- મંગળવારે 34 લાખથી વધુ લોકોને મળી વેક્સિન
દિલ્હી :દેશભરમાં કોરોનાની બીજી લહેરની ગતિ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે અને સંક્રમણના કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો છે. જો કે, ત્રીજી લહેરની શક્યતાઓને કારણે દેશમાં કોરોના રસીકરણ પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે અને દરરોજ લાખો લોકોને રસી આપવામાં આવી રહી છે. સરકારનો પ્રયાસ છે કે, શક્ય તેટલી વહેલી તકે સમગ્ર વસ્તીને રસી આપવામાં આવે, જેથી કોરોનાથી થતાં નુકસાનને અટકાવી શકાય.
ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 38.50 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. અહેવાલ મુજબ 34,10,974 લોકોને વેક્સિનની ડોઝ આપવામાં આવી છે. સરકારના અહેવાલમાં જણાવાયું છે કે, 18-44 વય જૂથના અત્યાર સુધીમાં લગભગ 12 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે.37 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18-44 વર્ષની વય જૂથના 11,59,50,619 વ્યક્તિઓએ પ્રથમ ડોઝ લીધો છે અને કુલ 40,19,089 લોકોએ બીજો ડોઝ મેળવ્યો છે. 18-44 વર્ષની વય જૂથના 15,49,982 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો,જયારે 1,19,121 લોકોને બીજી માત્રા આપવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, બિહાર, ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા આઠ રાજ્યોમાં રસીના 50 લાખથી વધુ ડોઝ 18-44 વર્ષની વય જૂથને આપવામાં આવ્યા છે. આંધ્ર પ્રદેશ, આસામ, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, ઝારખંડ, કેરળ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઓડિશા, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં, 18-44 વર્ષની વયના 10 લાખથી વધુ લાભાર્થીઓને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.