કોરોના રસીના બુસ્ટર ડોઝના કારણે ગરીબ દેશોમાં રસીની અછત ઉભી થવાની દહેશત
દિલ્હીઃ અમેરિકા અને યુકે સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસમાં રેકેટ ગતિએ વધારો થયો છે. એટલું જ નહીં ઓમિક્રોનના કેસમાં વધારો થયો છે. દરમિયાન કેટલાક દેશોમાં બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ભારતમાં પણ બુસ્ટર ડોઝની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. દરમિયાન WHOએ બુસ્ટર ડોઝને લઈને ચિંતાવ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે, બુસ્ટર ડોઝને લઈને ગરીબ દેશોમાં રસીની અછત ઉભી થવાની શકયતા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા –WHO એ ચેતવણી આપી છે કે, કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોન પ્રકારના એક સાથે ફેલાઈ રહેલા સંક્રમણથી કોવિડ કેસોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળી શકે છે. WHO ના નિદેશક ટેડ્રોસ ગ્રેબ્રેસિયસે જણાવ્યું કે, બંને પ્રકારના વેરિયન્ટને કારણે કેસની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ અને મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળ્યો છે અને જો આ ચાલુ રહેશે તો આરોગ્ય પ્રણાલી ખોરવાઈ જવાની ભીતી છે.
તેમણે વિશ્વમાં રસીના સમાન વહેંચણીનો પુનરોચ્ચાર કરતા આર્થિક રીતે સમક્ષ દેશોમાં વધારાના બુસ્ટર ડોઝના કારણે ગરીબ દેશોમાં રસીની અછત ઉભી થવાની ચેતવણી આપી છે. WHO ના નિદેશક ટેડ્રોસ ગ્રેબ્રેસિયસે કહ્યું કે, WHO વર્ષ 2022 ના મધ્ય સુધીમાં વિશ્વના તમામ દેશોની 70 ટકા વસ્તીને રસી મળી રહે તે માટે અભિયાન ચલાવી રહ્યું છે. જેનાથી રોગચાળાના તીવ્ર તબક્કાનો અંત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ભય ફેલાયો છે.
(PHOTO-FILE)