અમદાવાદઃ ગુજરાતભરમાં હાલ કોરોનાના કેસો નિયંત્રણમાં આવી રહ્યા છે. એટલે કે ખૂબજ ઓછા કેસ નોંધાય રહ્યા છે. અમદાવાદમાં તો મંગળવારે માત્ર ત્રણ કેસ નોંધાયા હતા. સરકારે હજુપણ લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની અપિલ કરી છે. બીજીબાજુ વેક્સિનેશન ઝૂંબેશને સઘન બનાવવામાં આવી છે. કેટલાક જિલ્લાઓએ 100 ટકા વેક્સિનેશનનો ટાર્ગેટ પુરો પણ કરી દીધો છે. કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા 2થી 18 વર્ષની વયના બાળકોને દિવાળી બાદ વેક્સિન આપવાના કાર્યનો પ્રારંભ કરાશે. કેન્દ્ર સરકારની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ 2થી 18 વર્ષના બાળકો-યુવાનો માટેની વેક્સિનને મંજૂરી આપી છે. કોવેક્સિન બનાવતી કંપની ભારત બાયોટેકે બાળકો પરના ટ્રાયલનાં પરિણામો કેન્દ્ર સરકારને સોંપ્યા હતા. એકસપર્ટ કમિટીએ પરિણામોના વિશ્લેષણ બાદ જણાવ્યું હતું કે કોવેક્સિનથી બાળકોને કોઈ હાનિ નથી. તેથી કંપની બાળકો માટે વેક્સિનનું બ્રાન્ડિંગ કરી શકે છે. પુખ્તવયના લોકોને અપાતી કોવેક્સિન હવે બાળકોને પણ આપવાનું શરૂ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ બાળકોને રસીકરણ અંગે કંપની કે સરકારે કોઈ તારીખ જાહેર કરી નથી પણ આરોગ્ય વિભાગના કહેવા મુજબ દિવાળી બાદ બાળકોનું રસીકરણ શરૂ કરી દેવામાં આવશે. બાળકો માટે મંજૂર થયેલી કોવેક્સિન બીજી રસી છે. આ અગાઉ ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડીને મંજૂરી મળી હતી. આ રસી 12 વર્ષથી વધુ વયનાં બાળકોને આપી શકાશે. બાળકોના રસીકરણની શરૂઆત પણ આ જ રીતે થશે. પહેલા ગંભીર બીમારી ધરાવતાં બાળકોને રસી આપવાથી શરૂઆત કરવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ શકે છે. આ અંગે આગામી બે-ત્રણ દિવસમાં નિષ્ણાંતોની બેઠક યોજાશે. હાલ દેશમાં બાળકો માટેની કુલ 4 રસી પર કામ ચાલી રહ્યું છે, જેમાંથી 2 રસીને મંજૂરી મળી ચૂકી છે. મંજૂરી મેળવનાર કોવેક્સિનના બે ડોઝ અપાશે. ઝાયકોવ-ડી 12 વર્ષથી વધુ વયના લોકો માટે છે, જેના ત્રણ ડોઝ અપાશે. કંપનીએ મહિનામાં 1 કરોડ ડોઝ બનાવવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કોવાવેક્સ રસીની દેશમાં 23 જગ્યાએ ટ્રાયલ ચાલી રહી છે. જ્યારે હૈદરાબાદની કંપની બાયોલોજિકલ-ઇ દ્વારા કોર્બેવેક્સ બનાવવામાં આવી રહી છે જેની દેશમાં 10 સ્થળે ટ્રાયલ થશે. (file photo)