
ભારતમાં કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનનું સંકટઃ પોઝિટિવ કેસનો આંકડો 400ને પાર
નવી દિલ્હી: ભોરતમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેથી કેન્દ્ર અને વિવિધ રાજ્યોની સરકારો સફાળી જાગી છે અને કોરોનાના નવા વેરિએન્ટનો ચેપ ફેલતો અટકાવવા માટે નિયંત્રણના જરૂરી પગલા લેવામાં આવી રહ્યાં છે. ભારતમાં દર કલાકે ઓમિક્રોનના પાંચ જેટલા કેસ સામે આવી રહ્યાં છે. દેશમાં ઓમિક્રોન પોઝિટિવ કેસનો આંકડો વધીને 415 ઉપર પહોંચ્યો છે. સૌથી વધારે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં 24 કલાક દરમિયાન ઓમિક્રોનના 115 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આમ ઓમિક્રોન પીડિત દર્દીઓની સંખ્યા વધીને 400ને પાર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 108 દર્દીઓ છે. દિલ્હીમાં 79, ગુજરાતમાં 43, તેલંગણામાં 38, કેરળમાં 37, તામીલનાડુના 34, કર્ણાટકના 31 અને રાજસ્થાનમાં 22 કેસ નોંધાયાં છે. દેશના લગભગ છ રાજ્યોમાં ઓમિક્રોનના કેસનો આંકડો ડબલ ડિજીટમાં છે. ઓમિક્રોનના કેસ રોકેટ ગતિએ વધતા હોવાથી સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. કુલ 17 રાજયોએ ઓમિક્રોન ફેલાતા હવે પ્રતિબંધાત્મક આદેશો આવી ગયા છે.
ઓમિક્રોનના પગલે ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં રાત્રિ કરફ્યુનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં મોટાભાગના રાજ્યોમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ ખિસ્તી ધર્મના લોકોને સાદાઈથી નવા વર્ષની ઉજવણી કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. હજુ પણ કેસમાં વધારો થશે તો વિવિધ રાજ્યોમાં વધારે આકરા નિયંત્રણો લાદવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.