દેશનો પ્રથમ એલિવેટેડ 8 લેન એક્સેસ કન્ટ્રોલ દ્વારકા એક્સપ્રેસ-વે એપ્રિલ 2024 પહેલા પૂર્ણ થશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, 9000 કરોડ રૂપિયાના ખર્ચે દેશનો પ્રથમ એલિવેટેડ 8-લેન એક્સેસ કંટ્રોલ દ્વારકા એક્સપ્રેસ વે 29.6 કિલોમીટર લંબાઈનો એપ્રિલ 2024 માં લગભગ પૂર્ણ થઈ જશે. તેમણે કહ્યું કે હરિયાણામાં 18.9 કિમી લાંબા સિંગલ પિલર અને દિલ્હીમાં 10.1 કિમી લાંબા સિંગલ પિલર પર 34 મીટર પહોળો એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યો છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આ એક્સપ્રેસ વેનું રોડ નેટવર્ક ચાર લેવલનું છે. તેમણે કહ્યું કે ફ્લાયઓવર પર ટનલ, અંડરપાસ, ગ્રેડ રોડ, એલિવેટેડ રોડ અને ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યા છે. એક્સપ્રેસ વેની બંને બાજુ ત્રણ લેન સર્વિસ રોડ બનાવવામાં આવી રહ્યો છે. મંત્રીએ કહ્યું કે, દિલ્હીમાં આ એક્સપ્રેસ વે પર દેશની સૌથી પહોળી 3.6 કિલોમીટર લાંબી 8 લેન ટનલ બનાવવામાં આવી રહી છે. આનાથી હરિયાણા અને પશ્ચિમ દિલ્હીના લોકોની ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી કનેક્ટિવિટી સુધરશે.
હરિયાણામાં આ એક્સપ્રેસ વે હરસરુ પાસે પટૌડી રોડ (SH-26) અને બસાઈ નજીક ફારુખનગર (SH-15A) પર મળશે, ઉપરાંત તે ગુડગાંવ સેક્ટર-88(B) પાસે દિલ્હી-રેવાડી રેલ લાઇનને મળશે અને ભરથલ ખાતે UER-II ને પાર કરશે.
તેમણે કહ્યું કે એક્સપ્રેસ વે સેક્ટર-88, 83, 84, 99, 113ને ગુડગાંવના સેક્ટર-21 અને દ્વારકાને ગ્લોબલ સિટી સાથે જોડશે. તેમણે કહ્યું કે આ સમગ્ર એક્સપ્રેસ વેમાં ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (આઈટીએસ) સુવિધા હશે.