મોરબી, 31 મે, 2026 : Morbi ceramic industrialists increase sanitary ware prices by 10 percent સીએનજી ગેસમાં ભાવ વધારાને લીધે મોરબીનો સિરામિક ઉદ્યોગ પણ મંદીના દૌરમાં ફસાયો છે. સેનેટરીવેરના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ટાઈલ્સ તથા સેનેટરીવેરના ભાવમાં વધારો કરાયો છે. જેમાં આવતી કાલે 1લી જૂનથી ટાઈલ્સના ભાવમાં રૂ. 5નો વધારો કરાયો છે. જ્યારે સેનેટરીવેર પ્રોડક્ટમાં 10 ટકાનો ભાવ વધારો ઝીંકાયો છે.
મોરબીના સીરામીક ઉદ્યોગકારો દ્વારા પડતર કિંમત વધવાના કારણે સેનેટરીવેર અને ટાઈલ્સના ભાવમાં વધારો કરાયો છે. આ ભાવ વધારોનો અમલ આવતીકાલ તા. 1લી જુનથી અમલામાં આવી જશે. જેમાં જીવીટી ટાઈલ્સના ભાવમાં પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો લાગુ કરાયો છે. તેમજ સેનેટરીવેરમાં 10 ટકાનો વધારો કરાયો છે. ગેસ અને ડીઝલના ભાવમાં વધારો થવાના કારણે ઉત્પાદનની પડતર કિંમત ઊંચી આવતા ભાવ વધારો કરવો અનિવાર્ય છે તેવું એસોના સૂત્રોએ જણાવ્યું હતુ. સિરામિકના ઉદ્યોગકારો હાલ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા છે, તેથી હવે ગ્રાહકોને સો ટકા એડવાન્સ પેમેન્ટ સાથે જ માલની ડિલીવરી કરવાનો પણ નિર્ણય લેવાયો છે.
મોરબીની આસપાસના વિસ્તારમાં 600 જેટલા સિરામિકના કારખાનાઓ કાર્યરત છે અને તેમાં સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન થાય છે. ત્યારે પેટ્રોલ-ડીઝલમાં અછતની અસર હવે આ ઉદ્યોગ પર પડી છે. ગેસ, ડીઝલ તથા કાચા માલના વધતા ખર્ચના પગલે મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા 1 જુથી ટાઈલ્સ અને સેનેટરી વેરના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરાઈ છે. આ ભાવવધારાની મોટી અસર રિયલ એસ્ટેટ માર્કેટ પર પડશે. કારણ કે, ટાઈલ્સના ભાવ વધવાથી કન્સ્ટ્રક્શન કોસ્ટ વધી જશે. તેથી પ્રોપર્ટીની કિંમત ઉચી જતા મકાન મોંઘા બનશે. બિલ્ડરોને ચિંતા સતાવી રહી છે કે, પહેલાથી જ સિમેન્ટ સ્ટીલના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવામાં ટાઈલ્સના ભાવમાં પણ વધારો થશે તો રિયલ એસ્ટેટ માર્કેટ પર વધુ બોજો પડશે.


