ગાંધીનગર, 3 મે 2026: Couple dies after car hits bike રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ દહેગામ-રખિયાલ હાઈવે પર સર્જાયો હતો. હાઈવે પર આવેલા જોગણી માતાના મંદિર પાસે પૂરઝડપે એક અજાણી કારના ચાલકે બાઇક સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં વાસણા રાઠોડ ગામના દંપતીનું કરુણ મોત નિપજ્યું હતું. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, વાસણા રાઠોડ ગામે રહેતા હરીભાઈ કોદરજી ડાભી અને તેમના પત્ની લલીતાબેન સાંજે બાઈક પર સવાર થઈને સાંપા ગામે એક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. દરમિયાન તેઓ દહેગામ-રખિયાલ હાઈવે પર જોગણી માતાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવેલી કારે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર દંપતી રોડ પર પટકાયુ હતું. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી ગયા હતા અને 108 એમ્બ્યુલસ બોલાવી ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે વધુ ઈજાઓ થવાથી હરિભાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે લલિતાબેને ગાંધીનગર સિવિલમાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
આ અકસ્માત સમયે મૃતક દંપતીનો પુત્ર રણજીત ડાભી પોતાના મોટા ભાઈ ભરતભાઈને હાથમાં ફેક્ચર હોવાથી સારવાર માટે નરોડાની હોસ્પિટલમાં લઈ ગયો હતો. એ વખતે 108 દ્વારા તેને ફોન કરીને માતાપિતાનો અકસ્માત થયાની જાણ કરાઈ હતી. જેના પગલે રણજીત તાત્કાલિક દહેગામ સરકારી હોસ્પિટલ પહોંચતા ફરજ પરના ડોક્ટરે તેમના પિતાને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ રીફર કરાયેલા માતાનું પણ ટૂંકી સારવાર બાદ અવસાન થયું હોવાના સમાચાર મળ્યા હતા. આ અંગે દહેગામ પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

