Site icon Revoi.in

મોરબીના જુના ઘુંટુ રોડ પર કન્ટેનર પલટીને કાર પર પડતા દંપત્તીનું મોત

Social Share

મોરબીઃ શહેર નજીક જુના ઘુંટુ રોડ પર વળાંક લેતી વખતે એક વિશાળ કન્ટેનર કાર પર પલટી મારી જતાં કારમાં સવાર પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. આ દુર્ઘટનામાં અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. અને ભારે જહેમત બાદ કારમાં દબાઈ ગયેલા મૃતક દંપત્તીના મૃતદેહને બહાર કઢાયા હતા.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  મોરબીના જુના ઘુંટુ રોડ પર ‘નવ નાલા’ તરીકે ઓળખાતા પુલિયા નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કન્ટેનરચાલકે વળાંક લેતી વખતે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કન્ટેનર સીધું બાજુમાંથી પસાર થતી કાર પર પલટી મારી ગયું હતું. કન્ટેનરના વજન નીચે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ કારમાં ટંકારાના એક જ પરિવારના 4 લોકો સવાર હતા. આ અકસ્માતમાં 40 વર્ષીય મંજુબેન કુંઢીયા અને તેમના પતિ 45 વર્ષીય મનસુખ કુંઢીયાનું મોત નિપજ્યું હતું. અકસ્માતનો ભોગ બનનાર પરિવાર ટંકારાનો રહેવાસી છે. મૃતક મંજુબેનના ભાઈનું અવસાન થયું હોવાથી તેઓ પતિ અને પરિવારના અન્ય સભ્યો સાથે હળવદ માઠા પ્રસંગે (શોકસભામાં) ગયા હતા. ત્યાંથી પરત ટંકારા આવી રહ્યા હતા ત્યારે જ આ કરુણ અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 60 વર્ષીય નાથાભાઈ કુંઢીયા અને 55 વર્ષીય જયાબેન નાથાભાઈ કુંઢીયા (ઉ.વ.55)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરી હતી અને પોલીસને જાણ કરી હતી. હાલ  મોરબી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કન્ટેનર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. એક જ પરિવારના બે સભ્યોના મોતથી ટંકારા પંથકમાં અને કુંઢીયા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

 

Exit mobile version