Site icon Revoi.in

રાજકોટમાં સોની બજારમાંથી પકડાયેલા 3 આતંકીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

Social Share

રાજકોટઃ શહેરના સોની બજારમાં નોકરી કરતા અને અલ-કાયદાનો પ્રચાર કરતા ત્રણ આતંકીને ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડ ( ATS)એ બે વર્ષ પહેલા એટલે કે, 26 જુલાઈ 2023ના રોજ ઝડપી લીધા હતા. અને પુરાવા એકત્ર કરીને ત્રણેય આરોપી સામે ચાર્જશીટ રજુ કરવામાં આવ્યુ હતું. આ અંગેનો કેસ ચાલી જતા સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા અને રૂ.10,000નો દંડ ફટકાર્યો છે.

રાજકોટની સોની બજારમાં નોકરી કરતા અને નવરાશની પળોમાં મુસ્લિમ વિસ્તારોમાં જઈને અલ-કાયદાનો પ્રચાર કરતા ત્રણ આતંકીને ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડ ( ATS)એ બે વર્ષ પહેલા ઝડપી લીધા હતા, અને સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. કોર્ટમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ રજૂઆત કરી હતી કે, આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાં વ્હોટસએપ ચેટિંગના વાર્તાલાપથી સાબિત થાય છે કે તેઓ મુસ્લિમ સમાજના ચોક્કસ વર્ગને દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ પાસેથી મળી આવેલાં આ મોબાઈલ ફોન, પિસ્તોલ અને કારતૂસ અંગે કોઈ જ ખુલાસો કે ઈનકાર નથી, જે સાબિત કરે છે કે આ ત્રણેય શખસ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.

આ કેસની સુનાવણી દરમિયાન આરોપીઓએ પોતાના બચાવમા જે બે મુસ્લિમ શખસની સાક્ષી તરીકે જુબાની લેવડાવી બચાવ કર્યો છે કે એ ત્રણેય આરોપી મસ્જિદમાંથી કયારેય પણ દેશવિરોધી પ્રચાર કરતા જોવા મળ્યા નથી. આ બાબતે જિલ્લા સરકારી વકીલ વોરાએ બચાવપક્ષના સાક્ષીની ઊલટતપાસ કરીને સાબિત કર્યું હતું કે બચાવપક્ષના આ બને સાક્ષી દિવસ દરમિયાન નમાજ માટે મસ્જિદમાં ફકત 15થી 20 મિનિટ જ જતા હતા. દિવસ દરમિયાનના બાકીના કલાકોમાં જુદા જુદા સમયે થતી નમાજ વખતે ત્રણેય આરોપીઓ શું પ્રવૃત્તિ કરે છે એ આ બન્ને સાહેદોને કોઈ જાણકારી ન હતી. ત્રણેય આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સખત સજા અપાવવા માટે સરકાર તરફે સરકારી વકીલે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે આ ત્રણેય આરોપીના માનસ પર જેહાદી પરિબળો દ્વારા દેશવિરોધી વિચારસરણી લાદી દેવામાં આવી છે. આ કારણે આ ત્રણેય આરોપીને જો ઓછી સજા કરવામાં આવે તો જેલમાથી બહાર આવતાં જ તેમનો ત્રાસવાદી સંગઠનો દ્વારા વધુ ગંભીર ગુનાઓ માટે ઉપયોગ કરવામાં આવશે. આ ત્રણેય શખસ મૂળ બંગાળના રહેવાસી હોવા છતાં રાજકોટ આવી કાશ્મીર અંગેની પરિસ્થિતિ બાબતે સરકાર વિરોધી દુષ્પ્રચાર કરે છે, તેથી આ તેમને બીજી કોઈ તક ન મળે એ જોવું ખાસ જરૂરી છે. કેસની સુનાવણી બાદ સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા અને રૂ.10,000નો દંડ ફટકાર્યો છે.

Exit mobile version