1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ એઈમ્સમાં હાર્ટએટેકના દર્દીઓ માટે મુકાયું CPET, તમામ રિપોર્ટ મીનીટોમાં મળી જશે
રાજકોટ એઈમ્સમાં હાર્ટએટેકના દર્દીઓ માટે મુકાયું CPET, તમામ રિપોર્ટ મીનીટોમાં મળી જશે

રાજકોટ એઈમ્સમાં હાર્ટએટેકના દર્દીઓ માટે મુકાયું CPET, તમામ રિપોર્ટ મીનીટોમાં મળી જશે

0
Social Share

રાજકોટઃ  ભારતમાં સૌથી વધુ હ્યદયરોગના દર્દીઓ ગુજરાતમાં છે. હવે તો યુવાનોમાં પણ હાર્ડએટેકના કેસ જોવા મળી રહ્યા છે. ઘણા યુવાનો હવે જિમમાં કસરત અને ક્રિકેટ જેવી રમતોમાં વધુ પડતી ક્ષમતા લગાવવાથી ડરી રહ્યા છે ત્યારે ખરેખર કસરત કરવાની ક્ષમતા કેટલી છે તેમજ માત્ર હૃદયની જ નહિ પણ ફેફસાંમાં પણ શું સમસ્યા છે તે જાણવા માટે  રાજકોટના એઈમ્સમાં સૌથી આધુનિક કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઈઝ ટેસ્ટ મશીન મૂકવામાં આવ્યું છે જેમાં ટ્રાયલના ભાગરૂપે એક 23 વર્ષના યુવાન પર ટેસ્ટ કરાયા હતા.

એઈમ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તેમજ પલ્મોનોલોજિસ્ટ ડો. કર્નલ સીડીએસ કટોચના જણાવ્યા અનુસાર રાજકોટની એઈમ્સમાં આધુનિક કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઈઝ ટેસ્ટ મશીન મૂકવામાં આવ્યું છે, CPET ટેસ્ટ એ શરીરમાં રક્ત, શ્વાસોચ્છવાસ, ફેફસાં, હૃદય, માંસપેશીઓ અને હાડકાં સહિતના અંગોની સ્થિતિ એક જ સાથે જણાવી દે છે આ કારણ શ્વાસને લગતા અનેક રોગોમાં તેનો ઉપયોગ થઈ શકે છે. કોઇ વ્યક્તિની કસરત કરવાની ક્ષમતા માપવી હોય ત્યારે પણ કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઈઝ ટેસ્ટ(CPET)નો ઉપયોગ થાય છે. આ મશીનમાં ટ્રેડમિલ ટેસ્ટ કે જે હૃદય માટે કરાય છે તેવું જ હોય છે અને તેમાં પણ ટ્રેડમિલનો ઉપયોગ થાય છે પણ ફરક એટલો હોય છે કે તે ફક્ત હૃદય જ નહિ પણ અન્ય અંગોનો પણ ડેટા લે છે. આ ટેસ્ટમાં વિવિધ સ્ટેજ મારફત હૃદય, ફેફસાં અને સ્નાયુઓની મૂવમેન્ટ સહિતની બાબતોનો ડેટા એકત્ર કરે છે જેથી કસરત દરમિયાન શરીરનો જે રિસ્પોન્સ છે તે નોર્મલ છે કે પછી તેમાં કોઇ વધઘટ છે તે જાણી શકાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ એઇમ્સમાં CPETનો સૌ પ્રથમ ઉપયોગ કરવા માટે ડિરેક્ટર ડો. કટોચ ઉપરાંત ડો. સંજય સિંઘલ, ડો. કૃણાલ દિઓકર, ડો. અનેરી પારેખ સહિત વિવિધ વિભાગના તબીબો હાજર રહ્યા હતા અને 23 વર્ષના યુવાનનો ટેસ્ટ કરાયો હતો જેનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. જિમમાં કસરત તેમજ રમત રમતી વખતે યુવાનોમાં હાર્ટએટેકની ગંભીર સ્થિતિના કિસ્સા જોઈ શકાય છે. યુવા વયે શરીરમાં એવી ઘણી ખામી અને રોગ હોઇ શકે છે જેનો અંદાજ પણ આવતો નથી ત્યારે આ ટેસ્ટ શરીર માટે સૌથી મહત્ત્વના બે અંગ એવા હૃદય અને ફેફસાં તેમજ રક્ત પરિભ્રમણ અને સ્નાયુની સાચી વિગતો મેળવીને કોઇ રોગ હોય કે પછી કોઇ ખામી હોય તો તે તરફ ધ્યાન દોરી શકે છે અને તેને આધારે તબીબો વજન ઉતારવા, વજન વધારવા તેમજ અન્ય પ્રવૃત્તિ કરતા પહેલાં શું ધ્યાન રાખવું તે અંગે માર્ગદર્શન આપી શકાશે.

ડો. કટોચેના કહેવા મુજબ  એવા ઘણા લોકો હોય છે જેમને શ્વાસ ચડવાની તકલીફ રહેતી હોય છે. ફેફસાંને લગતા અનેક પ્રકારના રિપોર્ટ કરાવ્યા બાદ પણ સાચું કારણ જાણવા ન મળતા સારવાર થઈ શકતી નથી. તેવા કિસ્સામાં આ ટેસ્ટ મહત્ત્વનો સાબિત થાય છે. શ્વાસ ચડવા પાછળ ખરેખર લોહીની ઊણપ, હૃદયની અનિયમિતતા કે પછી મગજમાં કોઇ ચેતાતંતુની ખામી છે તે તમામ આ ટેસ્ટથી જાણવા મળે છે આ કારણે શ્વાસને લગતી સમસ્યાઓમાં આ ટેસ્ટ સાથે એઈમ્સ સમગ્ર સૌરાષ્ટ્રમાં એક નવો અધ્યાય શરૂ કરી રહ્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code