ગુજરાતમાં બેઋતુ, કેટલાક વિસ્તારોમાં હીટવેવ તે ક્યાંક માંવઠું પડવાની હવામાન વિભાગની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભથી બે ઋતુંનો અનુભવ થઈ રહ્યો છે. આ વખતે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહથી જ તાપમાનનો પારો 35 ડિગ્રી વટાવી ગયો હતો. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો. ત્યારબાદ બે-ત્રણ દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો હતો. હવે તા.18મી માર્ચ સુધી કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. એટલે કે કેટલાક વિસ્તારમાં હીટવેવ અને કેટલાક વિસ્તારમાં માવઠું પડશે. ઉપરાંત દિવસનું તાપમાન વધશે અને રાતનું તાપમાન યથાવત રહેશે એટલે લોકોને બે ઋતુંનો અનુભવ થશે.
બવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના નાગરિકો બેવડી ઋતુનો માર સહન કરવો પડશે. આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે. આગામી 48 કલાકમાં હિટવેવની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.જેમાં પોરબંદર, ભુજ અને અમરેલી જિલ્લામાં હિટવેવ રહેશે.જ્યાં પાંચ ડિગ્રી કરતા પણ વધારે પારો ઉપર જઈ શકે છે.તો રાજ્યના અન્ય વિસ્તારોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે.બીજી તરફ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ કમોસમી વરસાદ નોંધાઇ રહ્યો છે. 13 માર્ચથી કેટલાક દિવસ ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ રહેશે. ગુજરાતમાં વરસાદના કારણે તાપમાન ઘટે જેથી રાત્રે ઠંડી અને બપોરે ગરમી રહેશે. માર્ચ એન્ડ સુધી ડબલ સિઝન રહી શકે છે, બનાસકાંઠામાં પાંચ દિવસ બાદ ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. પાંચ દિવસ પહેલા વરસેલા કમોસમી વરસાદ બાદ ફરી વાતવરણ વાદળછાયુ બન્યુ છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી, થરાદ, કાંકરેજ, ભાભર સહિતના તાલુકામાં સવારથી વાદળછાયુ વાતાવરણ રહ્યું છે. વાદળછાયા વાતાવરણને પગલે, તમાકુ, રાજગરો, જીરું જેવા પાકની કાપણી કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે.