ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં 3 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બોબ કાઉપરનું રવિવારે ૮૪ વર્ષની વયે બીમારી સામે લડ્યા બાદ નિધન થયું. તેમના પરિવારમાં તેમની પત્ની ડેલ અને પુત્રીઓ ઓલિવિયા અને સારાહ છે. કાઉપર અત્યંત પ્રતિભાશાળી ડાબોડી બેટ્સમેન હતો. તેઓ તેમની આકર્ષક બેટિંગ, ધીરજ અને લાંબી ઇનિંગ્સ રમવાની ક્ષમતા માટે જાણીતા હતા. તેમની કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણ ૧૯૬૬માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે ઇંગ્લેન્ડ સામેની તેમની ૩૦૭ રનની ઇનિંગ હતી. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલી ત્રેવડી સદી હતી અને આ ઇનિંગના કારણે ઓસ્ટ્રેલિયાએ એશિઝ શ્રેણી જાળવી રાખી હતી.
કાઉપરે ૧૯૬૪ થી ૧૯૬૮ દરમિયાન ૨૭ ટેસ્ટ રમી, જેમાં ૪૮.૧૬ ની સરેરાશથી ૨૦૬૧ રન બનાવ્યા, જેમાં પાંચ સદીનો સમાવેશ થાય છે. માત્ર 28 વર્ષની ઉંમરે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી અને વ્યવસાયની દુનિયામાં પ્રવેશ કર્યો. વિક્ટોરિયા માટે રમતા, તેમણે 83 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી અને તેમની ટીમના સફળ સમયગાળામાં મોટો ફાળો આપ્યો. બાદમાં તેમણે ICC મેચ રેફરી તરીકે પણ સેવા આપી અને ક્રિકેટ સંબંધિત ઘણા લોકોના સલાહકાર બન્યા. ૨૦૨૩માં તેમને ક્રિકેટમાં યોગદાન બદલ “ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા” એનાયત કરવામાં આવ્યો હતો.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેન માઈક બેયર્ડે એક શોક સંદેશમાં જણાવ્યું હતું કે, “બોબ કાઉપરના મૃત્યુના સમાચારથી અમને ખૂબ જ દુઃખ થયું છે. તેઓ એક મહાન બેટ્સમેન હતા અને એમસીજી ખાતે તેમની ત્રેવડી સદી હંમેશા યાદ રહેશે. તેમણે 1960ના દાયકામાં ઓસ્ટ્રેલિયન અને વિક્ટોરિયન ટીમોમાં મોટી ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તેમણે આઈસીસી મેચ રેફરી અને સલાહકાર તરીકે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અમે તેમના પરિવાર, મિત્રો અને સાથીદારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.”