પંજાબમાં ઈંટના વ્યવસાય ઉપર સંકટ, કોલસાના ભાવમાં વધારો થતા ભઠ્ઠા માલિકોની મુશ્કેલી વધી
નવી દિલ્હીઃ કેન્દ્ર અને પંજાબ સરકારની નીતિઓ અને કોલસા માફિયાઓને કારણે પંજાબના ઈંટોના ભઠ્ઠાઓ પર સંકટ ઘેરું બન્યું છે. પંજાબમાં લગભગ 2800 ઈંટના ભઠ્ઠા હતા. તેમાંથી 1500 ભઠ્ઠા બંધ થઈ ગયા છે, જ્યારે અન્ય બંધ થવાના આરે છે. તેનું મુખ્ય કારણ કોલસાના ભાવમાં 8000 રૂપિયા પ્રતિ ટન સુધીનો વધારો હોવાનું મનાઈ રહ્યું છે.
પંજાબ ઈટ ભઠ્ઠા એસોસિએશને કેન્દ્ર અને રાજ્ય સરકારને દરમિયાનગીરી કરીને કોલસાના ભાવ ઘટાડવા વિનંતી કરી છે. વાસ્તવમાં કોલસાના વ્યવસાય પર પાંચથી છ મોટા ઉદ્યોગપતિઓનું નિયંત્રણ છે. આ ધંધાર્થીઓએ કોલસાના ભાવ વધાર્યા છે. તેઓ ઇચ્છિત ભાવે કોલસો વેચી રહ્યા છે. કોલસાની કિંમત 13 હજાર રૂપિયા પ્રતિ ટનથી વધીને 21 હજાર રૂપિયા પ્રતિ ટન થઈ ગઈ છે. ટ્રાન્સપોર્ટરોએ પણ નૂરમાં રૂ.500નો વધારો કર્યો છે. આના કારણે બાંધકામ ક્ષેત્ર પર અસર પડી રહી છે. હવે ભઠ્ઠા માલિકો ટૂંક સમયમાં ઈંટોના ભાવમાં વધારાની જાહેરાત કરે તેવી શકયતા છે.
કેન્દ્ર સરકારે ઈંટના ભઠ્ઠા ઉદ્યોગ પરનો GST પાંચ ટકાથી વધારીને 12 ટકા કર્યો છે. આ ટેક્સની સાથે રાજ્ય ટેક્સ પણ છે. જેના કારણે બેવડી હાલાકી સર્જાઈ રહી છે. રાજસ્થાનમાંથી આવતી ઈંટોને કારણે પંજાબના ભઠ્ઠા માલિકોને પણ અસર થઈ છે. રાજસ્થાનમાંથી બિલ વગર ઓવરલોડ ટ્રકો પંજાબમાં પ્રવેશી રહી છે. પંજાબની સરખામણીએ ત્યાંની ઈંટો 300 થી 400 રૂપિયા પ્રતિ હજાર સસ્તી છે.
પંજાબ સરકારે શરત મૂકી છે કે, ઈંટના ભઠ્ઠામાં કુલ ઈંધણના 20 ટકાનો ઉપયોગ સ્ટ્રો તરીકે કરવો જોઈએ. ઘણા ઈંટ ભઠ્ઠા માલિકો આ શરત પણ પૂરી કરી શકતા નથી. આ ઉપરાંત ફ્લાય એશ અંગેના નિયમોને પણ વધુ કડક બનાવવામાં આવ્યા છે.
પંજાબથી જમ્મુ, હરિયાણા, દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં ઈંટો સપ્લાય કરવામાં આવે છે. જો દરોમાં વધારો થશે તો તેની અસર પડોશી રાજ્યો પર પણ પડશે. આ રાજ્યોમાં બાંધકામના કામોને પણ અસર થઈ શકે છે.