Site icon Revoi.in

ભાવનગર જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ, મગફળી અને કપાસના પાકને સૌથી વધુ નુકસાન

Social Share

 ભાવનગરઃ ગોહિલવાડમાં માવઠાને લીધે કૃષિપાકને સારૂએવું નુકસાન થયુ છે. ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખરીફપાક મગફળી, કપાસ, ડુંગળી, ઘાસચારો સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ગુજરાત સરકારે ખેડૂતોને નુકસાનીનું વળતર આપવા ડિજિટલ સર્વે કરાવવાનો નિર્ણય લીધો હતો. પણ તેનો ખેડૂતોએ ભારે વિરોધ કરતા સરકારે પંચરોજ કામની સુચના આપી હતી. જેમાં જિલ્લાના 10 તાલુકા અને 1 સિટી મળી કુલ 11 તાલુકાના 699 ગામોમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સર્વેના‌ આધારે જિલ્લાના તમામ ગામોનો રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપવામાં આવશે.

હવમાન વિભાગની આગાહીના પગલે ઓક્ટોબર-2025 દરમિયાન ભાવનગર જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદના કારણે કપાસ, મગફળી તથા શાકભાજી સહિત વિવિધ પાકોને ભારે નુકસાન પહોંચ્યું હતું. પ્રથમ સરકાર દ્વારા ડિજિટલ સર્વે કામગીરીની સૂચનાઓ આપવામાં આવી હતી, જેમાં જિલ્લાના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યું હતો. ત્યારબાદ સરકાર તરફથી પંચરોજકામ કરી સર્વે અંગે સૂચનાઓ આપવામાં આવી હતી, જેને લઈ સરકારે તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જિલ્લાની દરેક તાલુકામાં ગ્રામ સેવક (ખેતી), તલાટી કમ મંત્રી અને અન્ય વર્ગ-3ના કર્મચારીઓની ટીમો બનાવીને સ્થળ પર પાક નુકસાનના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીના કહેવા મુજબ ઓક્ટોબર 2025માં કમોસમી વરસાદથી જે ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું છે, એ નુકસાની બાબતે સર્વે કરવાની સરકાર તરફથી સૂચનાઓ મળી હતી, તેના આધારે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પછી સરકાર તરફથી સૂચનાને લઇ પંચ રોજકામ સહિતની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે 2 નવેમ્બરના શરૂ કરવામાં આવી હતી, જે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મુખ્યત્વે ભાવનગર જિલ્લામાં બે મુખ્ય પાકો કપાસ અને મગફળી છે તેમાં વધુ નુકસાની જોવા મળી છે. આ ઉપરાંત ડુંગળી, શાકભાજી, ઘાસચારો અને અન્ય પાકોમાં જ્યાં-જ્યાં જે ગામોમાં નુકસાની જોવા મળી છે, તેનો સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ભાવનગરના 10 અને સિટી મળી કુલ 11 તાલુકાના 699 ગામનો સમાવેશ થાય છે, તે તમામ ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વે કામગીરી 3 નવેમ્બરે પૂર્ણ કરવામાં આવી છે. રિપોર્ટિંગ પ્રક્રિયા અને પાક રિપોર્ટિંગ પ્રક્રિયા અત્યારે શરૂ છે અને રિપોર્ટિંગ પૂર્ણ થયા બાદ સર્વે રિપોર્ટ સરકારમાં સોંપવામાં આવશે.