Site icon Revoi.in

અમદાવાદમાં આરટીઓ ચલણના નામે ફેક લીન્ક મોકલી 11.75 લાખનો સાયબર ફ્રોડ કરાયો

Social Share

અમદાવાદઃ સાયબર ફ્રોડ માટે ગઠિયાઓ અવનવી તરકીબો અપનાવતા હોય છે. શહેરના વેપારીને તેના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી આરટીઓ ચલણના નામે એપીકે ફાઈલ મળી હતી જે વેપારીએ ફેમિલી વોટસએપ ગ્રુપમાં નાખતા પત્નીએ ફાઈલ ડાઉનલોડ કરી તેમાં વિગતો પૂરી કરી હતી. અને લિન્ક મોકલતા જ મોબાઈલ ફોન હેક થયો હતો. અને માબાઈલફોનના તમામ ડેટા ટ્રાન્સફર થયા હતા. અને ગઠિયાએ બેન્ક એકાઉન્ટમાંથી 11.75 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. આ અંગે સાઇબર ક્રાઈમે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના વસ્ત્રાપુરમાં રહેતા મહિલા ખુશનુમ ખંભાતાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. તેમના પતિ ડેલઝાદ વટવા જીઆઇડીસીમાં ફેક્ટરી ધરાવે છે. થોડા દિવસ પહેલાં તા. 13 જુલાઇના રોજ તેમના પતિના મોબાઇલ પર “આરટીઓ ઇ-ચલાન 500 APK” નામની એપ્લિકેશનનો મેસેજ આવ્યો હતો. જે લિંક તેમના ફોનમાં ઓપન થઈ નહોતી, એટલે ડેલઝાદે આ મેસેજ તેમના પરિવારના ગ્રુપ “ખંભાતાઝ”માં મુક્યો હતો. પરિવારમાં ખુશનુમબેનના બે દિકરાઓ પાસે આઇફોન હોવાને કારણે તેઓ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શક્યા નહોતા. ત્યારે ખુશનુમ ખંભાતાએ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી અને તેમાં વિગતો પણ ભરી હતી. ત્યાર બાદ તેમનો ફોન ગરમ થવા લાગ્યો હતો અને મેસેજ આવવાના બંધ થઈ ગયા હતા. બીજા દિવસે તેમણે પતિના ફોનથી કસ્ટમર કેરમાં કોલ કરીને તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમનો ફોન તો બીજા મોબાઇલ પર કોલ ડાયવર્ટ મોડમાં છે. તેમણે આ કોલ ફોરવર્ડિંગ બંધ કરાવ્યું હતું. બધું નોર્મલ થતાં તેમણે ફોનમાં ઇન્સ્ટોલ કરેલી બેંકની એપ્લિકેશન ઓપન કરીને ચેક કર્યું તો તેમના ખાતામાંથી અને તેમના પતિના ખાતામાંથી કુલ 11.75 લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા.

આ અંગે ફરિયાદીએ તપાસ કરતાં જાણવા મળ્યું કે, ગઠીયાઓએ તેમનો ફોન હેક કરીને તેમના પાસવર્ડ મેળવી લીધા હતા. હવે ખુશનુમ ખંભાતા અને તેમના પતિના બેંક એકાઉન્ટમાંથી ગઠીયાએ 11.75 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. જે અંગે તેમની ફરિયાદને આધારે સાયબર ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી છે.

Exit mobile version