Site icon Revoi.in

સરકારના ઉચ્ચ અધિકારીના નામે ફેક મેસેજ મોકલીને ફ્રોડ કરતા સાયબર માફિયાઓ

Social Share

રાજકોટ, 6 મે 2026: Cyber ​​mafia committing fraud by sending fake messages  સાયબર માફિયાઓ ફ્રોડ કરવા માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે. ત્યારે PGVCLના MD કેતન જોશીના નામનો PGVCLના ફાઇનાન્સ વિભાગના જનરલ મેનેજર કિંતુકુમાર મલકાનને ફેક વોટ્સએપ મેસેજ કરીને 45.60 લાખનો સાયબર માફિયાએ ફ્રોડ કર્યા બાદ ગઈકાલે આવી જ તરકીબ અપનાવીને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ એરિયા (રૂડા)ના ચેરમેનના નામે રૂપિયા 30 લાખની માંગણી કરવામાં આવી હતી. આમ હવે સરકારી અધિકારીઓના નામે ફેક મેસેજ મોકલીને ફ્રોડના બનાવો બની રહ્યા છે. સાયબર માફિયાઓ એટલા શાતિર છે કે, વોટ્સએપમાં જે અધિકારીના નામનો ફેક મેસેજ મોકલે છે. એમાં વોટ્સએપ પ્રોફાઈલ પર જે તે અધિકારીનો ફોટો પણ મુકતા હોવાથી નીચેના અધિકારીઓ છેતરાઈ જતા હોય છે.

રાજકોટમાં સરકારી અધિકારીઓના નામે લાખો રૂપિયા પડાવતી સાયબર ગુનેગારોની ગેંગ સક્રિય થઈ છે. છેલ્લા બે દિવસમાં PGVCL અને રૂડા (RUDA) જેવી મોટી સરકારી કચેરીઓને નિશાન બનાવીને સાયબર સ્કેમર્સ રુપિયા પડાવી રહ્યા છે. 4મેએ PGVCLના MDના નામે રૂપિયા 45 લાખનું સાયબર ફ્રોડ થયા બાદ આજે 5મેએ સાયબર ગઠિયાઓએ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ એરિયા (રૂડા)ના ચેરમેનના નામે રૂપિયા 30 લાખની માંગણી કરવામાં આવી હતી.

રાજકોટ PGVCLના ફાઇનાન્સ વિભાગના જનરલ મેનેજર કિંતુકુમાર મલકાનને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. આ નંબરના પ્રોફાઇલ પિક્ચરમાં PGVCLના MD કેતન જોશીનો ફોટો રાખવામાં આવ્યો હતો. મેસેજમાં જણાવવામાં આવ્યું હતું કે, “આ મારો પર્સનલ નંબર છે, હું મીટિંગમાં છું એટલે કોલ ઉપાડી શકીશ નહીં.” ત્યારબાદ તાત્કાલિક ધોરણે એકાઉન્ટમાં 45.60 લાખ રૂપિયા RTGS કરવા સૂચના આપી હતી. અધિકારીએ આદેશ સમજીને PGVCLના ખાતામાંથી પેમેન્ટ કરી દીધું હતું. જોકે, જ્યારે ફરીથી બીજા 30.60 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી, ત્યારે શંકા જતાં તેમણે રૂબરૂ MDની મુલાકાત લીધી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે MDએ આવો કોઈ મેસેજ કર્યો નહોતો. આ અંગે તુરંત સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે.

 સાયબર ક્રાઇમ પોલીસની પ્રાથમિક તપાસમાં કેટલીક મહત્વની વિગતો સામે આવી છે. રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, જે નંબરથી મેસેજ આવ્યો હતો તેનું સીમકાર્ડ બિહારનું છે અને બેંક એકાઉન્ટ પશ્ચિમ બંગાળનું છે. કુલ 45 લાખમાંથી પોલીસે સતર્કતા દાખવી 33 લાખ રૂપિયા ફ્રીઝ કરાવી દીધા છે. અંદાજે 2.50 લાખ રૂપિયા બંગાળમાંથી વિડ્રો થઈ ગયા છે, જ્યારે બાકીની રકમ માટે તપાસ ચાલુ છે. પોલીસની એક ટીમ હાલ પશ્ચિમ બંગાળ તપાસ અર્થે રવાના થઈ છે.

Exit mobile version