Site icon Revoi.in

રૂપિયા 210 કરોડના ફ્રોડના કેસમાં ગેન્ગને સાયબર ક્રાઈમ પોલીસે દબોચી લીધી

Social Share

 અમદાવાદ, 19 એપ્રિલ 2026: Cybercrime police arrest gang in Rs 210 crore fraud case  સાયબર માફિયાઓને કરોડો રૂપિયાની હેરાફેરી માટે બેન્ક એકાઉન્ટ પુરા પાડતી 6 શખસોની ગેન્ગને સાયબર ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધી છે. પકડાયેલા શખસો ચાઈનિઝ ગેન્ગ માટે કામ કરતા હતા. આ ગેન્ગે દેશની 15 બેન્કોને નિશાન બનાવીને રૂપિયા 210 કરોડનું સાયબર ફ્રોડ કર્યું હતું. જેમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરીને માત્ર ધૂળેટીની એક રાતમાં 7 કરોડથી વધુની રકમ ચાઉં કરી લીધી હતી.

 સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં એવી હકિકત જાણવા મળી છે કે, આ ગેંગ માત્ર ભાવનગર બેંક સુધી સીમિત નહોતી, પરંતુ તેઓ દેશના આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ અને પંજાબ જેવા રાજ્યોમાં સક્રિય હતા. અત્યાર સુધીની તપાસમાં આ ગેંગ 273 જેટલા સાયબર ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું અને કુલ 210 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યાનું ખૂલ્યું છે. આરોપીઓએ બેંકના CBS (કોર બેંકિંગ સર્વિસ) સોફ્ટવેરમાં રહેલી ટેક્નિકલ ખામીનો ગેરલાભ ઉઠાવી આ આખું કૌભાંડ આચર્યું હતું. આ કૌભાંડની કાર્યપદ્ધતિ મુજબ, હેકર્સે સૌપ્રથમ બેંકના જૂના અને નિષ્ક્રિય (dormant) એકાઉન્ટ્સને ટાર્ગેટ કર્યા હતા અને તે એકાઉન્ટધારકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલીને પોતાના નંબર એક્ટિવ કરી દીધા હતા. ત્યારબાદ, સિસ્ટમની આ ખામીનો ફાયદો ઉઠાવી તેમણે એકાઉન્ટમાં 7.34 કરોડની રકમ વર્ચ્યુઅલી જનરેટ કરી હતી. અંતે, આ રકમને સગેવગે કરવા માટે તેમણે સામાન્ય લોકો પાસેથી આર્થિક લાલચ આપી ભાડેથી મેળવેલા 135 અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં આ રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.

આ સમગ્ર ઓપરેશન ગુજરાત રાજ્યના પોલીસ વડા (CID ક્રાઇમ અને રેલ્વેઝ) ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવ તથા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના પોલીસ મહાનિરીક્ષક બિપીન આહિરના સીધા માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા, સંજય કેશવાલા અને વિવેક ભેડાના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જી.બી. ડોડીયા, એચ.જે. પરમાર તથા એચ.વી. દેસાઇની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી જટિલ તપાસ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિવિધ રાજ્યોમાંથી ગેંગના સભ્યોની ધરપકડ કરી તેમની પાસેથી 9 પાસબુક, 39 ડેબિટ કાર્ડ, 12 ચેકબુક અને 4 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને છેતરપિંડીથી મેળવેલી રકમ પૈકી 2.04 કરોડની રકમ ફ્રીઝ કરી દીધી છે, જેથી આરોપીઓ આ પૈસાનો દુરુપયોગ કરી શકે નહીં.

Exit mobile version