1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગ્રામીણ વિસ્તારમાં વિવિધ યોજનાઓ થકી 4200 LMD પાણીનું દૈનિક વિતરણ : ઋષિકેશ પટેલ
ગ્રામીણ વિસ્તારમાં વિવિધ યોજનાઓ થકી 4200 LMD પાણીનું દૈનિક વિતરણ : ઋષિકેશ પટેલ

ગ્રામીણ વિસ્તારમાં વિવિધ યોજનાઓ થકી 4200 LMD પાણીનું દૈનિક વિતરણ : ઋષિકેશ પટેલ

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં પીવાના પાણી અંગેના આયોજનની પત્રકાર મિત્રોને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઉનાળાની સિઝનમાં રાજ્યના નાગરિકોને પીવાના પાણી સહિત અન્ય જરૂરિયાતો માટે વપરાતા પાણીની કોઇપણ પ્રકારની તકલીફ પડે નહીં તે માટે રાજ્ય સરકાર સતત જાગરૂત છે. ઉનાળા દરમિયાન પાણીના સુચારૂ વિતરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે પુરતું આગોતરું આયોજન કર્યું છે.

તેમણે કહ્યું હતું કે, ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં નર્મદા આધારિત જુથ પાણી પુરવઠા યોજનાઓ મારફત 3100 એમ.એલ.ડી. પાણીનું જ્યારે નર્મદા સિવાયના અન્ય સરફેસ સ્ત્રોત આધારિત જુથ યોજનાઓમાં 1100 એમ.એલ.ડી. પાણી વિતરણ કરવામાં આવે છે. રાજ્યમાં આવેલ જળાશયો પૈકી 72 જળાશયો આધારિત પાણી પુરવઠાની જુથ યોજનાઓ કાર્યરત છે. આ તમામ જળાશયોમાં આગામી ઉનાળા દરમ્યાન ચાલે તેટલું પુરતું પાણી ઉપલબ્ધ છે. 

પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીની ફરિયાદ નોંધાવા માટે 24*7 ટોલ ફ્રી નંબર 1916 કાર્યરત છે. છેલ્લા ત્રણ માસમાં નોંધાયેલ કુલ 13722 ફરિયાદો પૈકી 12653 ફરિયાદોનો નિકાલ જ્યારે 1069 ફરિયાદોના નિવારણની કામગીરી પ્રગતિ હેઠળ છે. દરિયા કાંઠાના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી જિલ્લા માટે બુધેલથી બોરડા બલ્ક પાઇપલાઇનની યોજના તાજેતરમાં પૂર્ણ કરવામાં આવી છે. જેના થકી આ વિસ્તારના ગામો તથા શહેરોને વધારાનું 180 એમ.એલ.ડી. પાણી ઉપલબ્ધ થયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે બલ્ક વોટર સપ્લાય ગ્રીડ મારફત હાલ શરેરાશ 2000 એમ.એલ.ડી. પાણી વિતરણ કરવામાં આવે છે. જે આગામી ઉનાળામાં જરૂરિયાત મુજબ 2200 થી 2300 એમ.એલ.ડી. સુધી વિતરણ કરવાનું આયોજન છે.  

મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આગામી ઉનાળાને ધ્યાને લઇ ચાલુ વર્ષે કુલ 13 જિલ્લાઓમાં 325 નવીન ટ્યુબ વેલ સારવામાં આવ્યા છે તેમજ 432 નવીન મિનિ યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. આગામી દિવસોમાં જરૂરિયાત મુજબ નવીન 200 ડી.આર. બોર તથા 3000 જેટલા ડી.ટી.એચ. બોર બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત ઉનાળાની પરિસ્થિતિને ધ્યાને લઇને હેન્ડ પંપની મરામત અને નિભાવણી માટે 14 જિલ્લાઓમાં 187 જેટલી ટીમ નિયુક્ત કરવામાં આવી છે. 

તેમણે કહ્યું હતું કે, આદિજાતિ વિસ્તારના 21000 ફળિયાઓમાં વેરીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 15000 ફળિયાઓની યોજનાઓ કાર્યરત છે, જયારે 3000 જેટલી યોજનાઓમાં પાણીના સ્તર ઊંડા જવાના કારણે મુશ્કેલી વર્તાય છે જે આગામી ચોમાસા દરમ્યાન ચાલુ કરી શકાશે તથા બાકી રહેતા 6000 ફળિયાઓની યોજનાની વેરીફિકેશનની કાર્યવાહી હાલ પ્રગતિ હેઠળ છે. આદિજાતિ વિસ્તારમાં યોજનાના સંચાલન દરમ્યાન લિકેજના પ્રશ્નોના નિરાકરણ અર્થે વાસ્મો દ્વારા એજન્સી નિયુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના થકી આગામી 18 માસ સુધી આદિજાતિ વિસ્તારની આંતરિક યોજનામાં થનાર લિકેજનું રીપેરીંગ વાસ્મો દ્વારા કરવામાં આવશે. 

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આદિજાતિ વિસ્તારમાં ઓપરેટરના અભાવે હાલમાં બંધ યોજનાઓ પુનઃ કાર્યરત કરવા વિકાસ કમિશનર દ્વારા ૧૫ મા નાણાં પંચના બજેટમાં માસિક રૂ. 10 હજારની એક્ટીવીટી ગામની પાણીની યોજનાના સંચાલન પેટે ઉમેરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત આદિજાતિ વિસ્તારના ઓપરેટર પાસે તાંત્રિક ક્ષમતાનો અભાવ હોવાથી યોજના સંચાલન અર્થે વાસ્મો દ્વારા જરૂરી તાલીમ આઇ.ટી.આઇ. દ્વારા યોજવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code