દીકરીઓ દરેક ક્ષેત્રે નવા રેકોર્ડ સર્જી રહી છેઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026 : કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી ‘બેટી બચાવો-બેટી પઢાવો’ અભિયાને ગુરુવારે સફળતાપૂર્વક 11 વર્ષ પૂર્ણ થયા છે. આ વિશેષ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની દીકરીઓની સિદ્ધિઓને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે, “આપણી દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે, જે આપણા માટે ગૌરવની બાબત છે.”
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું હતું કે, “કન્યાને લક્ષ્મી માનનારા આપણા દેશમાં 11 વર્ષ પહેલાં આજના જ દિવસે ‘બેટી બચાવો-બેટી પઢાવો’ અભિયાનની શરૂઆત થઈ હતી.” તેમણે દીકરીઓના મહત્વને દર્શાવતું એક સુભાષિત પણ શેર કર્યું હતું:
“દશપુત્રસમા કન્યા દશપુત્રાન પ્રવર્ધયન્।
યત્ ફલમ્ લભતે મર્ત્યસ્તલ્લભ્યં કન્યયૈકયા॥”
(અર્થાત્: એક કન્યા દસ પુત્રો સમાન છે. દસ પુત્રોના ઉછેરથી જે પુણ્ય મળે છે, તે એક કન્યાના ઉછેરથી પ્રાપ્ત થાય છે.)
ઉલ્લેખનીય છે કે, 22 જાન્યુઆરી, 2015 ના રોજ આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ કેન્દ્ર સરકારની 100% વિત્તપોષિત યોજના છે, જે દેશના તમામ જિલ્લાઓમાં કાર્યરત છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય લિંગ આધારિત ભેદભાવ અટકાવવો, બાળકીઓના અસ્તિત્વ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવી તથા તેમના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.
છેલ્લા 11 વર્ષોમાં આ અભિયાને રાષ્ટ્રીય ચેતના જગાવી છે. સરકારી એજન્સીઓ, નાગરિક સમાજ અને મીડિયાએ સાથે મળીને દીકરીઓ માટે એક ન્યાયી અને સુરક્ષિત વાતાવરણ ઊભું કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.


