ગાંધીનગર, 18 માર્ચ 2026: Decision to continue Narmada Canal till April 30th ગુજરાતમાં ઉનાળા દરમિયાન નર્મદા કેનાલ તેમજ પેટા અને સબ કેનાલોના મરામતના કામ કરવાના હોવાથી 15મી માર્ચથી કેનાલો બંધ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. પણ ધારાસભ્યો અને સાંસદોની રજુઆતો મળતા ઉનાળુ પાકને બચાવવા માટે સિચાઈ માટેના પાણીની જરૂર હોવાથી હવે આગામી 30મી એપ્રિલ સુધી કેનાલોમાં પાણી છોડવામાં આવશે. અને ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી અપાશે.
ગુજરાતમાં ઉનાળુ પાકના વાવેતરને બચાવવા માટે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને રાહતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ મેઈન્ટેનન્સના કારણોસર તા.15 માર્ચથી નર્મદા કેનાલ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ખેડૂતોની રજૂઆતો અને પાકની સ્થિતિને ધ્યાને રાખીને હવે 30 એપ્રિલ સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
નર્મદા કેનાલ દ્વારા સિંચાઈ માટેનું પાણી મળતુ હોવાથી ખેડૂતો દ્વારા ઉનાળુ પાક બાજરી, જુવાર, તલ, મગફળી, ગવાર સહિતના પાકનું આગવુ વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે સરકાર દ્વારા નર્મદા કેનાલ 15 માર્ચથી મેઈન્ટેનન્સ માટે કેનાલો બંધ કરવા માટેનો નિર્ણય લેવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ખેડૂતોના ઉનાળુ પાક બળી જવાનો ભય સતાવતા સ્થાનિક ધારાસભ્યોને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આથી ધારાસભ્યોનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા માટે ગયું હતું. જ્યાં મુખ્યમંત્રીને રજૂઆત કરીને જણાવ્યું કે ખેડૂતો દ્વારા ઉનાળુ પાકનું વાવેતર કરાયું છે. કેનાલ બંધ કરાય તો ખેડૂતોનો પાક બળી જાય. આમ રજૂઆતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી દ્વારા 30 એપ્રિલ સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવાનું જણાવ્યું હતું.

