સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષાઓ ગ્રામ પંચાયતોની ચૂંટણીને કારણે પાછી ઠેલવાનો નિર્ણય
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જુદા જુદા કોર્સના ત્રીજા સેમેસ્ટરના 58 હજાર વિદ્યાર્થીની પરીક્ષા આગામી તારીખ 14 ડિસેમ્બરથી લેવાનું જાહેર કરાયું હતું, પરંતુ પરીક્ષા આપનાર કેટલાક વિદ્યાર્થીઓને પીએસઆઈ, એલઆરડી સહિતની પરીક્ષા પણ આ જ દિવસો દરમિયાન હોવાને કારણે તેમજ તા. 19મીએ ગ્રામપંચાયતની ચૂંટણી હોવાને કારણે કોલેજોના બિલ્ડિંગ ચૂંટણી કામગીરીમાં લેવાના હોવાને લીધે હવે પરીક્ષા 10 દિવસ પાછી ઠેલાઈ છે. આ ઉપરાંત કેટલાક પ્રોફેસરોને પણ ચૂંટણી ફરજ સોંપવામાં આવી હોવાને કારણે યુનિવર્સિટીની પરીક્ષા મોડી લેવાનું નક્કી કરાયુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જુદા જુદા કોર્સના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું આગામી તારીખ 14 ડિસેમ્બરથી આયોજન કર્યું હતું. જેમાં બીએ રેગ્યુલર, બીબીએ, બીસીએ, બી.કોમ રેગ્યુલર, બીએસસી, બીએસસી આઈટી, બીપીએ કથક-તબલા-વોકલ, બીએસસી બાયો ઇન્ફો. બીએસસી હોમ સાયન્સ, બીએસડબ્લ્યુ, એલએલબી, બીએ બીએડના ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા લેવાની હતી. 14 ડિસેમ્બરથી શરૂ થતી જુદા જુદા કોર્સની પરીક્ષાઓ 28 ડિસેમ્બર સુધી લેવાની હતી. પરંતુ પરીક્ષા આપનાર કેટલાક વિદ્યાર્થીઓને પીએસઆઈ, એલઆરડી સહિતની પરીક્ષા પણ આ જ દિવસો દરમિયાન હતી. તેના કારણે પરીક્ષાનો કાર્યક્રમ પાછો ઠેલવા માટે યુનિવર્સિટીને રજુઆતો મળી હતી. તેમજ તા. 19મીએ ગ્રામપંચાયતની ચૂંટણી હોવાને કારણે કોલેજોના બિલ્ડિંગ ચૂંટણી કામગીરીમાં લેવાના હોવાથી સૌરાષ્ટ્ર યુનિની પરીક્ષાઓ 10 દિવસ પાછી ઠેલાઈ છે. આ ઉપરાંત કેટલાક પ્રોફેસરોને પણ ચૂંટણી ફરજ સોંપવામાં આવી હોવાને કારણે યુનિવર્સિટીની પરીક્ષા મોડી લેવાશે. હવે પરીક્ષાની નવી તારીખ અને તેનું સમયપત્રક જાહેર કરવામાં આવશે.