Site icon Revoi.in

દિલ્હી બ્લાસ્ટ કેસઃ મહિલા ત્રાસવાદી શાહીન 3 વખત પાકિસ્તાનની મુલાકાત લઈ ચુકી છે

Social Share

નવી દિલ્હીઃ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા આતંકી વિસ્ફોટની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે. હવે તપાસમાં ફરીદાબાદ મોડ્યુલ, અલ ફલાહ યુનિવર્સિટી અને ડૉક્ટર શાહીન વચ્ચેના સંપર્કો પણ ખુલ્લા પડ્યા છે. ડૉક્ટર શાહીનને લઈને તપાસ એજન્સીઓને કેટલીક મોટી માહિતી મળી છે. તપાસ દરમિયાન ડૉક્ટર શાહીનના ત્રણ પાસપોર્ટ મળી આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શાહિનનો પહેલો પાસપોર્ટ કાનપુરના GSVM મેડિકલ કોલેજના એડ્રેસ પરથી, બીજો લખનૌ અને ત્રીજો ફરીદાબાદના એડ્રેસ પરથી બનાવવામાં આવ્યો હતો. મહત્વનું એ છે કે ત્રણેય પાસપોર્ટમાં અભિભાવકનું નામ જુદું-જુદું છે. એક પાસપોર્ટમાં પિતા, બીજામાં પતિ અને ત્રીજામાં ભાઈનું નામ દર્શાવવામાં આવ્યું છે. સૌથી નવા પાસપોર્ટમાં ઇન્ટિગ્રલ યુનિવર્સિટીનું સરનામુ નોંધાયેલ છે, જ્યાં તેનો ભાઈ પરવેજ નોકરી કરતો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર શાહીન 3 વાર પાકિસ્તાન અને 6 વખત વિદેશ પ્રવાસ પર ગઈ હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે, ડૉક્ટર શાહીન 2013માં થાઈલેન્ડ ગઈ હતી. જ્યારે તે 3 વખત પાકિસ્તાન ગઈ હતી, તેમજ 6 વખત અન્ય દેશોમાં મુસાફરી કરી છે. એજન્સીઓ તેની તમામ વિદેશ યાત્રા, પુરાવા, ડિજિટલ ફૂટપ્રિન્ટ અને નાણાકીય લેવડ-દેવડની વિગત તપાસી રહી છે.

“વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલ”માં મુખ્ય એસેટ તરીકે કામ કરતી ‘મેડમ સર્જન’ શાહીન, ઉમર અને મુજમ્મિલે 6 ડિસેમ્બરનો દિવસ પસંદ કર્યો હતો. તેઓ વર્ષ 1992ની બાબરી મસ્જિદ ઘટનાનો બદલો લેવા આતંકી હુમલો કરવા માગતા હતા. આતંકવાદીઓના નિશાના ઉપર ધાર્મિક સ્થળો અને RSS કાર્યાલય હતા. હવાલા દ્વારા ઓછામાં ઓછા 20 લાખ રૂપિયા આ ગેંગ સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. શાહીન અને તેના સહયોગીઓ પોતાની મોટી કમાણી પણ આ પ્રવૃતિ માટે ખર્ચતા હતા. તપાસમાં શાહીનની બેંક વિગતો, ટ્રાવેલ હિસ્ટ્રી, કૉલ રેકોર્ડ, ડિજિટલ ડેટા અને વ્યક્તિગત ડાયરીમાંથી અનેક મહત્વના પુરાવા મળ્યા છે.

Exit mobile version