નવી દિલ્હીઃ દિલ્લીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરનાં રોજ થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં NIA એ એક વધુ મહત્વના આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપી શોએબ મુખ્ય આતંકી ઉમર ઉન નબીને વિસ્ફોટ પહેલાં રહેવાની જગ્યા અને તમામ જરૂરી મદદ પૂરી પાડતો હતો. NIA દ્વારા ધરપકડ કરાયેલ શોએબ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના ધૌજ ગામનો રહેવાસી છે. તપાસ દરમિયાન ખુલ્યું કે, શોએબે વિસ્ફોટના થોડા દિવસો પહેલાં ઉમરને પોતાના ઘરમાં છુપાવ્યો હતો.
NIA મુજબ, શોએબે માત્ર ઉમરને રહીવાની જગ્યા અને આવશ્યક સુવિધાઓ જેવી લોજિસ્ટિક સપોર્ટ પણ પૂરો પાડ્યો હતો. આ કેસમાં શોએબ સાતમો આરોપી છે, જ્યારે મુખ્ય હુમલાખોર ઉમર સહિત છ અન્ય આરોપીઓને NIA પહેલા જ પકડી ચૂકી છે. એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું કે શોએબે ઉમરને તેના ઘરમાં રાખવાની સાથે તેને વિસ્ફોટક સામગ્રી પહોંચાડવામાં, સુરક્ષિત રસ્તા બતાવવામાં અને ફરાર થવામાં મદદ કરી હતી. તેનું લોકેશન, કૉલ ડિટેલ્સ અને સંપર્કોની તપાસ કરતાં ઘણા મહત્વના ખુલાસા થયા છે. NIAને શંકા છે કે શોએબનો કોઈ મોટા આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્ક સાથે પણ સંબંધ હોઈ શકે છે. શોએબને એનઆઈએની ટીમ દિલ્હી લાવીને પૂછપરછ કરશે.
લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટમાં એનઆઈએએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને દેશના વિવિધ રાજ્યોમાં પણ તપાસ કરી રહી છે. શોએબની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

