
લોકસભા ચૂંટણીમાં ભાજપની મોટી જીત થવા છતાં મોદી મેજિક જેવું કંઈ નહીં હોય: ડૉ. સુબ્રમણ્યમ સ્વામી
નવી દિલ્હી: ભાજપના નેતા ડૉ. સુબ્રમણ્યમ સ્વામી ઘણી એવી એવી વાતો કહે છે કે જે તેમની પાર્ટી સહીતના લોકોને સીધી દિલ પર લાગી જાય છે. લોકસભા ચૂંટણી 2024ને લઈને પણ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે હિંદુ ગૌરવ વધવાથી આગામી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને મોટી જીત પ્રાપ્ત થવાની સંભાવના છે. જો કે સ્વામીએ કહ્યુ છે કે આમા મોદી મેજિકની ભૂમિકા નહીં હોય. સુબ્રમણ્ય સ્વામીએ એક કાયદાને લગતા સંમેલનમાં આ વાત કહી હતી.
સ્વામીએ કહ્યુ છે કે ભાજપ અને તેમના વૈચારિક માતૃ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં વ્યક્તિની તુલનામાં સંગઠન અને સિદ્ધાંતને વધારે મહત્વ આપવામાં આવે છે. સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપના 370થી વધુ બેઠકો જીતવાના અને એનડીએના 400ના આંકડાને પાર કરવાના દાવા સંદર્ભેના સવાલનો પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યુ છે કે મારું માનવું છે કે ભાજપ પોતાની ગત ચૂંટણીના પ્રદર્શનને પાછળ છોડી દેશે. પહેલીવાર હિંદુ પોતાની ઓળખ પર ગર્વ મહેસૂસ કરી રહ્યો છે. તેમણે હવે તે સંકોચ મહેસૂસ થતો નથી, જે (પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ) નહેરુના સમયમાં તેમના પર થોપવામાં આવ્યો હતો.
જો કે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીનું કહેવું છે કે કેટલાક લોકો વિચારી શકે છે કે આ બદલાવ તેમની (પીએમ મોદી)ના કારણે આવ્યો છે. આપણે આવી ચીજોનું મહત્વ આપવાની જરૂર નથી. મને નથી લાગતું કે મોદી મેજીક જેવું કંઈ છે. ભાજપ-આરએસએસમાં વ્યક્તિને કોઈ મહત્વ આપવામાં આવતું નથી. આ કોંગ્રેસની સંસ્કૃતિ રહી છે.
સ્વામીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની એનડીએમાં વાપસીનું પણ સ્વાગત કર્યું છે. તેમણે કહ્યુ છે કે વધુ પલટી મારવી હવે જેડીયુ અધ્યક્ષના હિતમાં નહીં હોય. તેમણે કહ્યુ છે કે નીતિશ કુમાર હંમેશા અમારા હતા. મને હજીપણ સમજ નથી આવી રહ્યું કે તેઓ અમને છોડીને કેમ ચાલ્યા ગયા હતા. તેઓ બુદ્ધિમાન અને વિદ્વાન વ્યક્તિ છે અને તેમણે સમજવું જોઈએ કે તેઓ હિંદુ ભાવનાઓની વિરુદ્ધ જવાનું જોખમ ઉઠાવી શકે નહીં. માટે તેમણે સંકલ્પ લેવો જોઈએ કે તેઓ ફરી ક્યારેય ભાજપથી અલગ નહીં થાય.