HomeAgency Newsનેપાળમાં વિનાશક પૂરથી ભારે વિનાશ, હજારો મકાનો અને માણસો તણાયાં

નેપાળમાં વિનાશક પૂરથી ભારે વિનાશ, હજારો મકાનો અને માણસો તણાયાં

કાઠમંડુ, 26 ઓગસ્ટ, 2026 – નેપાળમાં વિનાશક પૂરથી ભારે વિનાશ થયો છે. આ ભારે પૂરમાં હજારો મકાનો અને માણસો તણાયાં હોવાનું જાણવા મળે છે.

પ્રારંભિક અહેવાલ અનુસાર આજે બુધવારે સવારે તિબેટ તરફથી અચાનક આવેલા ભીષણ પૂરના કારણે નેપાળના રસુવા જિલ્લાના ટિમુરે બજાર વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ છે. લેન્દે ખોલા (ભોટેકોશી)માં આવેલી પૂરથી રસુવા સીમા નાકા પર મોટા પાયે નુકસાન થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ટિમુરે સહિત આસપાસના બે બજાર પૂરથી પૂરેપૂરા ધોવાઈને તણાઈ ગયા છે. આ ભારે પૂરમાં 1,000 લોકોના તણાઈ જવાની આશંકા છે. જોકે, હજુ સુધી તેને સત્તાવાર સમર્થન મળવાનું બાકી છે.

પીએમ બાલેન્દ્ર શાહે તાકીદની બેઠક બોલાવી

નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે દેશમાં અચાનક આવેલા પૂરથી થયેલી ભારે તબાહી વચ્ચે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપનની તાકીદની બેઠક બોલાવી છે. તેમના સલાહકાર અસીમ શાહે જણાવ્યું કે વડાપ્રધાન શાહ સીધા જ પ્રભાવિત વિસ્તારોના મુખ્ય જિલ્લા અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને ક્ષણે-ક્ષણનું મોનિટરિંગ કરી રહ્યા છે.

બજાર અને કસ્ટમ ઓફિસ વિસ્તારને નુકસાન

રસુવાના આસિસ્ટન્ટ ચીફ ડિસ્ટ્રિક્ટ ઓફિસર ધ્રુવ પ્રસાદ અધિકારીના જણાવ્યા અનુસાર પૂરથી બજાર અને કસ્ટમ ઓફિસ વિસ્તારને પણ ભારે નુકસાન થયું છે. તેમણે જણાવ્યું કે રસુવા ભન્સાર (કસ્ટમ) વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનો અને અન્ય સામગ્રી હાજર હતી, જે પૂરમાં તણાઈ ગઈ. ગયા વર્ષના પૂરમાં ક્ષતિગ્રસ્ત થયેલા સ્થળે હાલમાં જ બનાવવામાં આવેલો નવો પુલ પણ આ પૂરમાં તણાઈ ગયો છે.

બુધવારે સવારે 9 વાગ્યા આસપાસ પૂર આવ્યું

જિલ્લા પોલીસ કાર્યાલયના જણાવ્યા મુજબ બુધવારે સવારે 9 વાગ્યા આસપાસ અચાનક આવેલા ભીષણ પૂરથી ટિમુરે બજારની વસાહત પ્રભાવિત થઈ હતી. રસુવાના મુખ્ય જિલ્લા અધિકારી નરેન્દ્ર પરિયારે જણાવ્યું કે અચાનક આવેલા પૂરથી નીચાણવાળા કાંઠાના વિસ્તારોમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ તણાઈ જવાની અને વસાહતોમાં પૂરના પાણી ઘૂસી જવાના પણ અહેવાલ મળ્યા છે.

ત્રણ પોલીસ કાર્યાલયોને નુકસાન

તિબેટ તરફથી આવેલા આ પૂરથી નેપાળ પોલીસના ત્રણ કાર્યાલયોને પણ ભારે ક્ષતિ પહોંચી છે. પોલીસ હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર રસુવા જિલ્લામાં સ્થાનિક પોલીસ કાર્યાલય ટિમુરે, પોલીસ ચોકી સ્યાફ્રુબેસી અને પોલીસ ચોકી રસુવાગઢી પ્રભાવિત થયા છે. આ દરમિયાન, નુવાકોટમાં પણ પૂર પહોંચી ગયું છે. જિલ્લા વહીવટી કાર્યાલય નુવાકોટના માહિતી અધિકારી રૂપેશ પ્રસાદ નેપાળે આ વાતને સમર્થન આપ્યું છે.

ચાર જિલ્લા તરફ જતા વાહનોને કાઠમંડુમાં જ રોકાયા

રસુવામાં પૂર અને સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે કાઠમંડુથી રસુવા, નુવાકોટ, ચિતવન અને ધાદિંગ જતાં વાહનોને કાઠમંડુમાં જ રોકી દીધા છે. કાઠમંડુ ઉપત્યકા ટ્રાફિક પોલીસ કાર્યાલયના અધિકારીના જણાવ્યા અનુસાર પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ જિલ્લાઓ તરફ જતાં વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે.

બે સૈન્ય હેલિકોપ્ટર રસુવા રવાના

પૂર પ્રભાવિત વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી માટે નેપાળી સેનાના બે હેલિકોપ્ટર રસુવા માટે રવાના થયા છે. નેપાળી સેનાના પ્રવક્તા અને બ્રિગેડિયર જનરલ રાજારામ બસ્નેતે જણાવ્યું કે બંને હેલિકોપ્ટર પૂર પ્રભાવિત વિસ્તાર તરફ મોકલવામાં આવ્યા છે. ભોટેકોશી નદીમાં ભીષણ પૂર આવ્યા બાદ વડાપ્રધાન કાર્યાલયે તમામ હેલિકોપ્ટર કંપનીઓને પણ તૈયાર સ્થિતિમાં રહેવાનો નિર્દેશ આપ્યો છે.

વડાપ્રધાન બાલેન્દ્ર શાહના સચિવાલયના જણાવ્યા અનુસાર તમામ હેલિકોપ્ટર કંપનીઓને જરૂર પડે ત્યારે તાત્કાલિક કામગીરી માટે તૈયાર રહેવા જણાવાયું છે.

પાંચ જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોમાં સતર્કતા

ભોટેકોશી નદીમાં પૂરના કારણે રસુવા, નુવાકોટ, ધાદિંગ, ગોરખા અને ચિતવનમાંથી પસાર થતી નદીઓના કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular