- લોકો બીચ પર સાઇકલટ્રેક, સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકશે,
- હાલ ડુમસના બાચ પર પેકેજ-1 અને પેકેજ-2 નું ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે,
- 15 ડિસેમ્બર આસપાસ ડુમસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી દેવાશે,
સુરતઃ શહેર નજીક ડુમસ દરિયાઈ બીચને વધુ આકર્ષક બનાવવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. બીચનો પ્રવાસન તરીકે વિકાસ કરવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ડુમસ સી ફેસ ફેઝ 1 અને 2ની મોટાભાગની કામગીરી પૂર્ણ થવા આવી છે. તેના પગલે આગામી 15 ડિસેમ્બર આસપાસ ડુમસ સી ફેસનું લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે. ડુમસ બીચ પર સાયકલ ટ્રેક, સ્પોર્ટ્સ એક્ટિવિટી સહિત વિવિધ સુવિધા ઊભી કરવામાં આવી રહી છે.
સુરત શહેરને ઇન્ટરનેશનલ કક્ષાની તમામ સુવિધાઓ મળે તે માટેના પ્રયાસો રાજ્ય સરકાર અને સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ડુમસ બીચનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓને ગોવા જેવા બીચનો અનુભવ થાય તે રીતની સુવિધા ઊબી કરવામાં આવશે. ડુમસ બીચને આંતરરાષ્ટ્રીય કક્ષાના ડેવલપમેન્ટ માટે ફોકસ કરવામાં આવશે. બીચ પર પ્રવાસીઓ માટેની તમામ સુવિધાઓ ઊભી કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં ડુમસ સી ફેસના ડેવલોપમેન્ટ માટે ચાર ફેઝમાં વહેંચણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ કુલ ચાર ઝોનમાં ઝોન-1 – અર્બન ઝોન, ઝોન-2 – પબ્લિક સ્પેસ-ઈકો ઝોન, ઝોન-3 – ફોરેસ્ટ-ઇકો ટૂરિઝમ અને વેલનેસ ફેસિલિટી, ઝોન-4 – ડુમસ પોર્ટ અને જેટીનો પુનર્વિકાસ તથા યાટ ઝોન. ઝોન-1 અર્બન ઝોનમાં પેકેજ-1 અને પેકેજ-2 મળી કુલ 22.86 હેક્ટર અનામત ખંડ નં.આર-64 પૈકી અને બિનનંબરી જમીન ખાતે પ્રોજેક્ટ ડેવલપ કરવા મંજૂરી હતી, જેમાં પણ પ્રાથમિક તબક્કામાં પેકેજ-1 એટલે કે 12.32 હેક્ટરમાં પ્રોજેક્ટ ડેવલપ કરાશે. આ સી-ફેસ પ્રોજેક્ટ 78.99 હેક્ટર સરકારી જમીન તથા ફોરેસ્ટની 23.07 હેક્ટર મળી કુલ 102.06 હેક્ટર ઉપરાંત દરિયા કિનારાની 45.93 હેક્ટર સરકાર હસ્તકની બિનનંબરી જમીન છે. આ જમીન પર સૂચિત ઈકો ટૂરિઝમ પાર્ક તબક્કાવાર રીતે ડેવલપ કરાશે.
સુરત મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે, ડુમસ એટલે સુરતનું એકમાત્ર હરવા-ફરવાનું સ્થળ. લગભગ દર શનિ-રવિએ શહેરીજનો ડુમસની મુલાકાત લેતા હોય છે. જેને કારણે સુરત મ્યુનિના શાસકોએ ડુમસને વિકસાવવાનો નિર્ણય કરેલો હતો. અંદાજે 175 કરોડના ખર્ચે ડુમસના પેકેજ-1 અને પેકેજ-2 નું ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, જે અંતિમ તબક્કામાં છે. અમારી ગણતરી છે કે 15 ડિસેમ્બરની આસપાસ ડુમસનું પ્રોજેક્ટનું લોકાર્પણ કરી દેવાશે.

