સોમનાથ મહાદેવ મંદિરઃ ભક્તો હવે પાસ લીધા વિના સોમનાથ દાદાના કરી શકશે દર્શન
- સોમનાથમાં સવા વર્ષથી ચાલતી હતી પાસ સિસ્ટમ
- કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા લેવાયો નિર્ણય
- દર્શનાર્થીઓએ કોરોનાની ગાઈકલાઈનનું પાલન કરવુ પડશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે અનેક નિયંત્રણો લાદવામાં આવ્યાં હતા. જો કે, હાલ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એટલું જ નહીં છેલ્લા અઠવાડિયાથી દરરોજ સરેરાશ 20થી 25 જેટલા પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ રાજ્યની જનતાને અનેક છૂટછાટ આપવામાં આવી છે. તેમજ ધાર્મિક સ્થળોના દરવાજાઓ પણ કોરોના ગાઈડલાઈન અનુસાર ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યાં છે. પ્રથમ જ્યોર્તિંગ સોમનાથ ખાતે હવે ભક્તો પાસ લીધા વિના જ દાદાના દર્શન કરી શકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાને પગલે સામાજીક અંતર સહિતના કેટલાક નિયમો સાથે સોમનાથમાં દર્શન કરવા આવતા ભક્તોને પાસ આપવાની સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જો કે, કેસમાં ઘટાડો થવાની સાથે જ આ પ્રથાને બંધ કરવામાં આવી છે. સવા વર્ષ સુધી ભગવાનના દર્શન કરવા માટે પાસ સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે ભક્તોને દાદાના દર્શન કરવા માટે પાસ મેળવવાની પ્રક્રિયામાં રાહત આપવામાં આવી છે. આમ છતાં કોરોના સામેની સાવચેતના પગલાઓ રૂપે માસ્ક પહેરીને દર્શન કરવું, દર્શન કરી તુરત જ બહાર નીકળી જવું, સેનેટાઇઝીંગ, સ્પ્રે સહિતના પગલાંઓ સાવચેતીના ભાગરૂપે ચાલુ રાખવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પવિત્ર શ્રાવણ મહિનામાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા આવ્યાં હતા. જો કે, કોરોનાને પગલે નિયમ અનુસાર જ ભક્તોને દર્શન કરવા દેવામાં આવતા હતા.