Site icon Revoi.in

કચ્છના માતાના મઢમાં નવરાત્રીના પ્રારંભ પહેલા જ શ્રદ્ધાળુઓનો માતાજીના દર્શન માટે ધસારો

Social Share

ભૂજઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં નવરાત્રીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન માટે આવશે. હાલ પદયાત્રિઓ સહિત ભાવિકો માતાજીના દર્શન માટે આવી રહ્યા છે. નવલી નવરાત્રીનો પ્રારંભ આવતી કાલે સોમવારથી થશે. પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી યાત્રિકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વહેલી સવારથી બપોર સુધી દર્શનાર્થીઓની લાંબી કતાર જોવા મળી રહી છે. શનિવાર અને આજે રવિવારે પણ યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી. શનિવારે બપોરે ભીડ હળવી થયા બાદ મોડી સાંજે ફરી યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. એક દિવસમાં જ વીસ હજારથી વધુ ભાવિકોએ માં આશાપુરાના દર્શન કર્યા હતા.

માતાનામઢમાં અશ્વિન નવરાત્રી પહેલાં જ શ્રાધ્ધપક્ષના છેલ્લા ત્રણ-ચાર દિવસથી યાત્રિકોનું આગમન શરૂ થયું છે. શનિવારે અંદાજે 50 હજારથી વધુ ભાવિકોએ માં આશાપુરાના દર્શન કર્યા હતા. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં યાત્રિકોની સંખ્યા એક લાખ નજીક પહોંચી ગઈ છે. આજે રવિવારે રાત્રે 8:30 કલાકે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ સાથે સોમવારથી નવરાત્રી પર્વનો આરંભ થશે. રવિવારે એક લાખથી વધુ યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા હતા. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં યાત્રિકોની ભીડ મંદિર પરિસર અને હાઇવે માર્ગ પર જોવા મળી હતી.

માતાના મઢમાં પદયાત્રીઓ અને વાહનો દ્વારા મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. માતાનામઢથી રવાપર તરફના હાઇવે માર્ગ પર વાહનોની લાંબી કતાર લાગી છે. પૂલથી કોટડામઢ ફાટક સુધી વાહનોની કતારને કારણે વારંવાર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે. ગ્રામ પંચાયતના સરપંચ કાસમભાઈ કુંભાર અને તલાટી પ્રવિણદાન ગઢવીના જણાવ્યા મુજબ, બે દિવસમાં 330 જેટલા વેપારીઓને દુકાનો અને વાહન પાર્કિંગ માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં યાત્રિકોના આગમનને ધ્યાનમાં રાખીને પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.