Site icon Revoi.in

શિરડીથી પરત ફરતા સુરતના શ્રદ્ધાળુઓને નાસિક પાસે નડ્યો અકસ્માત, 3ના મોત

Social Share

નાસિક : શિરડીના સાંઈબાબાના દર્શન કરીને સુરત પરત ફરી રહેલા સાત યુવકોને નાસિક જિલ્લાના યેવલા તાલુકા નજીક ભયાનક માર્ગ અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણ યુવકોનાં સ્થળ પર જ મોત થયા છે, જ્યારે ચાર યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બે વ્યક્તિઓની હાલ ગંભીર હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી મુજબ, સુરતના સાત ભક્તો કાર દ્વારા શિરડી દર્શન કરી નાસિક માર્ગે સુરત પરત ફરી રહ્યા હતા. દરમિયાન યેવલા તાલુકાના માર્ગ પરથી પસાર થતા સમયે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તાની બાજુએ ધસી ગઈ અને પલટા ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ પૂરો તૂટી પડ્યો હતો. બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં, જ્યારે પાંચ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નાસિકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં સારવાર દરમિયાન વધુ એક યુવકનું મોત થયું હતું. હાલ ચાર ઈજાગ્રસ્તો નાસિકની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જેમાંથી બેની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ વાહન વધુ ગતિમાં હોવાને કારણે ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવ્યું હોય તેવી શક્યતા છે. ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ મંગાવી તપાસ શરૂ કરવામાં આવી છે.