Site icon Revoi.in

સોમનાથમાં ભાલકા તિર્થમાં જન્માષ્ટમી પર્વ ભક્તિમય ઊજવણી, મહાઆરતીમાં ભાવિકો ઉમટી પડ્યાં

Social Share

સોમનાથઃ શહેરમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના અંતિમ લીલા સ્થાન એવા ભાલકા તીર્થ, તેમજ શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ તીર્થ ગોલોકધામ ખાતે જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. સવા લાખ વિવિધ પૂષ્પો, લાઈટિંગ, અને વિવિધ શુશોભનોથી મંદિર તથા ગર્ભગૃહને ભવ્યતાથી શણગારવામાં આવેલ હતા. સમગ્ર દિવસ દરમ્યાન ભક્તો શ્રીકૃષ્ણના અલૌકિક સ્વરૂપના દર્શન કરી કૃતકૃતાર્થ થયા હતા. તો સાથે રાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ગોલોકધામ તીર્થ ખાતે સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી જનરલ મેનેજર  વિજયસિંહ ચાવડા, તેમજ ભાલકા તિર્થ ખાતે ચીફ એકાઉન્ટન્ટ  અજયકુમાર દુબે એ વિશેષ મહાપૂજા કરી જન્માષ્ટમીના પાવન ક્ષણે રાત્રે 12:00 વાગ્યે શ્રીકૃષ્ણની મહા આરતી યોજાયેલ હતી. આરતી દરમિયાન મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને મધ્ય રાત્રિએ કૃષ્ણ જન્મોત્સવની પાવન ઘડીને જય રણછોડ માખણચોર, અને નંદ ઘેર આનંદ ભયો નો નાદ ગુંજી ઉઠ્યો હતો.  સોમનાથ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ જન્મની વધામણી આપવા માખણ મિસરી, પેંડા, ચોકલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાલકા તીર્થ ખાતે કૃષ્ણ જન્મોત્સવનો લ્હાવો  સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરથી પણ ભક્તોએ ઘરેબેઠા લીધો હતો.

દરમિયાન સોમનાથ મંદિર પરિસરમાં શિવકથા પારાયણનો પ્રારંભ થયો છે. નવ દિવસ ચાલનારી આ પારાયણ કથા માટે વિધિવત મંત્રોચ્ચાર સાથે  સોમનાથ મંદિર ખાતે શિવમહાપુરાણ પવિત્ર પોથીનું પૂજન કરી અને પોથીયાત્રા યોજાઈ હતી. સોમનાથ મંદિર પરિસરમાં આવેલા ભાટીયાગ્રાઉન્ડ સુધી આ કથાની પોથીયાત્રા યોજાઇ હતી. જેમાં સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને શિવભક્તો જોડાયા હતા. કથાપ્રારંભે  સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી ચીફ એકાઉન્ટન્ટ  અજયકુમાર દૂબે દ્વારા પોથી પૂજન કરવામાં આવ્યું હતું. કથાકાર ડો. પંકજભાઇ રાવલનું વ્યાસપૂજન કરીને કથાનો વિધિવત પ્રારંભ કરાયો હતો.

#SomnathTemple #JanmashtamiCelebration #KrishnaJanmotsav #BhalkaTirth #Golokdham #SomnathTrust #ShivkathaParayan #PothiYatra #DevotionalJourney #SpiritualCelebration #ShivMahaPuran #BhagwanShiv #KrishnaAarti #FestiveVibes #ReligiousFestivals #SomnathUpdates

Exit mobile version