Site icon Revoi.in

ધરોઈ ડેમ 70 ટકા ભરાયો, 1લી ઓગસ્ટ સુધીમાં ડેમની સપાટી 618 ફુટને વટાવશે

Social Share

મહેસાણાઃ સાબરમતી નદી પરના ધરોઈ ડેમની જળસપાટીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ધરોઇ ડેમમાં ગત 21 જૂને 601.7 ફૂટ સાથે 38.07% જળસંગ્રહ હતું, ત્યારે ઉપરવાસમાં સારા વરસાદના કારણે 23 દિવસમાં ધરોઇ ડેમ 70% ભરાયો છે. છેલ્લા 6 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, 15 જુલાઇ પહેલાં ધરોઈ ડેમ 70%  ભરાયો છે. હાલ ડેમમાં પાણીની આવક તાલુ હોવાથી ડેમની સપાટી વધી રહી છે.

ઉત્તર ગુજરાતમાં સાબરમતી નદી પર આવેલો ઘરોઈ ડેમ મોટા ગણાય છે. ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદને લીધે ધરાઈ ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે  તા.14 જુલાઇને રાત્રે 8 વાગ્યાની સ્થિતિએ ડેમમાં 2176 ક્યુસેક પાણીની આવક સાથે 70.37% જળસંગ્રહ થઇ ચૂક્યું છે. એટલે કે, 613.81 ફૂટ પાણી સંગ્રહ થયું છે. 70%એ જળસ્તર આવતાં ધરોઇ વિભાગ દ્વારા ડેમને વોર્નિંગ સ્ટેજ પર લેવામાં આવ્યો છે. જેને લઇ સાબરમતી નદી કાંઠાના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના કલેક્ટરને ડેમની સ્થિતિથી અવગત કરાયા છે.

સિંચાઈ વિભાગના સૂત્રોના કહેવા મુજબ ધરોઇ ડેમ 14 જુલાઇની સ્થિતિએ 613.81 ફૂટની સપાટીએ પાણીનું સ્તર નોંધાયું છે. 1લી ઓગસ્ટ પહેલાં જો ડેમનું જળસ્તર 618 ફૂટ વટાવે તો જ ડેમમાંથી સાબરમતી નદી અને કેનાલોમાં પાણી છોડાવામાં આવશે. એટલે કે, હજુ 4.20 ફૂટ પાણી વધે તો જ છોડવામાં આવી શકે છે.