- 2002ના વર્ષમાં જ્યાં રહેતા હતા તેની મતદાર યાદીની માહિતી માગવામાં આવી છે,
- BLOને 2002ની સંપૂર્ણ મતદાર યાદી આપવામાં નથી આવી,
- મતદારોએ જાતે જ 23 વર્ષ પહેલાની મતદાર યાદી શોધવાની છે
અમદાવાદઃ શહેર અને જિલ્લામાં હાલ મતદારયાદી સુધારણા (special intensive revision)ની કામગીરી ચાલી રહી છે. અને બીએલઓ પ્રમાણિકતાથી કામ કરી રહ્યા છે. પણ મતદાર સુધારણા માટેના જે ફોર્મ આપવામાં આવ્યા છે. જેમાં મતદારોએ વર્ષ 2002ની વિગતો ભરવાની છે.એટલે 2002 બાદ સ્થળાંતર થયેલા મતદારોને તે સમયની યાદી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. બીએસઓને પણ સંપૂર્ણ મતદાર યાદી આપવામાં આવી નથી. એટલે 2002ના વર્ષમાં મતદારો દે વિસ્તારમાં રહેતા હતા તેની યાદી મેળવવા મુશ્કેલી પડી રહી છે. મતદારોએ જાતે જ 23 વર્ષ પહેલાની મતદાર યાદી શોધવાની છે. સરકાર પાસે બધી જ માહિતી છે. ત્યારે આ પદ્ધતિ સરળ બનાવવામાં આવે તેવી માગ ઊઠી છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા SIRની કામગીરી પ્રગતિમાં છે, ત્યારે શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રિડેવલપમેન્ટ, ડિમોલિશન અથવા અન્ય કોઈ કારણસર સ્થળાંતર કરનારા તેમજ એ સિવાયના તમામ મતદારો માટે જિલ્લાના તમામ 5524 મતદાન મથકો ખાતે શનિવાગ અને રવિવાર સવારે 9 થી 1 વાગ્યા સુધી વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મતદારો ફોર્મ લઈને જાય છે ત્યારે 2002ના વર્ષની વિગતો માગવામાં આવે છે. બીએલઓ પાસે પણ સંપૂર્ણ મતદાર યાદી નથી.
જિલ્લા કલેકટર સુજિત કુમારે જણાવ્યું હતું કે 1 ડિસેમ્બર સુધીમાં કુલ 5524 જેટલા BLO ઘર–ઘર જઈને મતદારોને યુનિક ફોર્મ આપશે. દરેક ફોર્મમાં મતદારોની પ્રાથમિક માહિતી પહેલેથી જ લખેલી હશે, જ્યારે બાકી વિગતો મતદારોને જાતે જ પૂરી પાડવાની રહેશે. 2002ની મતદાર યાદી સર્ચ કરવાનું સરળ બને તે માટે નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં માત્ર ત્રણ શબ્દો દાખલ કરતાં જ માહિતી મળી શકશે. જોકે, BLOને 2002ની સંપૂર્ણ યાદી આપવામાં નહીં આવે, પરંતુ તેમના વિસ્તારમાંની યાદી જ આપવામાં આવી છે. 2002ની યાદીમાં નામ હશે તો પ્રાથમિક રીતે તે યથાવત્ રહેશે, પરંતુ બાદમાં તેવા લોકો પાસેથી સત્તાવાર ફોર્મ માંગવામાં આવશે. મતદાર યાદીમાં નામ યથાવત્ રાખવા માટે ફોર્મ ભરવું ફરજિયાત ગણવામાં આવ્યું છે. જો કોઈ મતદાર ફોર્મ સબમિટ નહીં કરે તો બાદમાં નિયમ મુજબના 12 પુરાવામાંથી કોઈપણ પુરાવો આપવો ફરજિયાત બની જશે.
આ સમગ્ર અભિયાન 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. ત્યારબાદ 4 થી 9 ડિસેમ્બર દરમિયાન ડ્રાફ્ટ રોલની પ્રક્રિયા હાથ ધરાશે. 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી વિવિધ ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલશે, જ્યારે 9 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી નોટિસનો તબક્કો રહેશે. અંતે 7 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા મૃતક વ્યક્તિઓના નામ મોટી સંખ્યામાં દૂર થશે અને મતદાર યાદી વધુ વ્યવસ્થિત બનેલી જોવા મળશે.

