Site icon Revoi.in

સરકારી યુનિવર્સિટીઓમાં જીકાસ પોર્ટલથી પ્રવેશની ધીમી કાર્યવાહી સામે અસંતોષ,

Social Share

અમદાવાદઃ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓ અને તેની સંલગ્ન કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતકમાં પ્રવેશની ઓનલાઈન કાર્યવાહી જીકાસ પોર્ટલ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં બીએ, બીકોમ, બીબીએ, બીસીએ સહિત વિવિધ અભ્યાસક્રમોમાં ઘણીબધી જગ્યાઓ ખાલી રહી છે. જ્યારે ખાનગી યુનિવર્સિટીઓ અને તેની સંલગ્ન કોલેજોની તમામ બેઠકો ભરાઈ ગઈ છે. તેથી એવા આક્ષેપ થઈ રહ્યા છે કે, જીકાસ પોર્ટલની ધીમી કામગીરીને લીધે વિદ્યાર્થીઓએ કંટાળીને ખાનગી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં પ્રવેશ મેળવ્યા છે.

ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓની સંચાલિત કોલેજોમાં પ્રવેશની કામગીરી જીકાસ પોર્ટલથી કરવામાં આવે છે. પરંતુ પ્રવેશની કામગીરી એટલી ધીમી કરવામાં આવે છે. આથી નિયત સમયમાં પ્રવેશની કામગીરી નહીં થવાથી શૈક્ષણિક વર્ષ શરૂ થવા છતાં પ્રવેશની કામગીરી સરકારી યુનિવર્સિટીઓમાં ચાલતી હોય છે. જ્યારે તેની સામે ખાનગી યુનિવર્સિટીઓમાં કોઇ જ નિયમ ન હોવાથી વિદ્યાર્થીઓને સીધો પ્રવેશ આપવામાં આવે છે. આથી ખાનગી યુનિવર્સિટીઓમાં પણ વિદ્યાર્થીઓના એડમિશનની કામગીરી પણ જીકાસ પોર્ટલથી કરવામાં આવે તેવી આશા વિદ્યાર્થીઓ રાખી રહ્યા છે.

રાજ્ય સરકારે સરકારી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને અન્યાય થાય નહીં. વિદ્યાર્થીઓની પ્રવેશની કામગીરી પારદર્શક બની રહે તે માટે જીકાસ પોર્ટલના માધ્યમથી ઓનલાઇન વિદ્યાર્થીઓ પાસે અરજી કરાવવામાં આવે છે. અરજી કર્યા બાદ મેરિટ યાદી તૈયાર કરીને વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરેલી કોલેજમાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. મેરિટના આધારે સરકારી યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં પ્રવેશની કામગીરી કરાય છે. પરંતુ તેની સામે ખાનગી યુનિવર્સિટીઓની કોલેજોમાં એડમિશન માટે કોઇ જ નિયમોનું પાલન થતું નથી. ત્યારે ખાનગી યુનિવર્સિટીઓની સંલગ્ન કોલેજોમાં એડમિશન માટે જીકાસ પોર્ટલમાં આવરી લેવામાં આવે તેવી માગણી સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે.

ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ કામગીરી પારદર્શક બની રહેશે. ચાલુ શૈક્ષણિક વર્ષની પ્રક્રિયામાં મોક રાઉન્ડ ઉમેરી વિદ્યાર્થીઓને કોલેજોની અંતિમ પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં, પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવી, વધુ વિલંબ અટકાવી, ત્વરિત સમાપ્ત કરવામાં આવે સહિતની માંગણી કરવામાં આવે છે. ઘણી યુનિવર્સિટીઓના અનુસ્નાતક અભ્યાસક્રમોના પરિણામો હજુ બાકી હોવાથી, વિદ્યાર્થીઓને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ પડતો હોવાથી ત્વરિત પણ પરિણામો જાહેર કરવામાં આવે તેવી માંગણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કરી છે.

Exit mobile version