સુરેન્દ્રનગર,18 જાન્યઆરી 2026: શહેરના વાંચન પ્રેમીઓ માટે રૂપિયા 6 કરોડના ખર્ચે સરકારી જિલ્લા પુસ્તકાલયને આધુનિક બનાવવામાં આવ્યું છે. વાતાનુકૂલિત પુસ્તકાલયમાં વાઈફાઈ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. 1958માં સ્થપાયેલું આ પુસ્તકાલય 6 દાયકાથી વધુ સમયથી શહેરના વાંચનપ્રેમીઓની જ્ઞાનની ભૂખ સંતોષી રહ્યું છે.
સુરેન્દ્રનગર શહેરના હૃદય સમા વિસ્તારમાં સી. જે. હોસ્પિટલ સામે આવેલું સરકારી જિલ્લા પુસ્તકાલયને રૂપિયા 6 કરોડના ખર્ચે આધૂનિક બનાવવામાં આવ્યું છે. પુસ્તકાયલમાં પુરતો પ્રકાશ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પુસ્તકાલયનો હોલ એસી બનાવવામાં આવ્યો હોવાથી ઉનાળાની ગરમીમાં પણ વાંચન પ્રેમીઓ શાંતિથી મનગમતા પુસ્તકો વાંચી શકશે. આજે પણ વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન અને મહિલાઓ સહિત 3792 સભ્યો તેનો નિયમિત લાભ લઈ રહ્યા છે. ગત માસમાં જ 335 સભ્યોએ પોતાનું સભ્યપદ રીન્યુ કરાવ્યું છે, જે ડિજિટલ યુગમાં પણ પુસ્તકાલયના મહત્વને દર્શાવે છે.
આધુનિક સમયની માંગને અનુરૂપ, પુસ્તકાલયમાં શહેરીજનો માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 1 કરોડ રૂપિયાના ખર્ચે નવી સ્માર્ટ લાઇબ્રેરી અને 5 કરોડ રૂપિયાના ખર્ચે 400 ચોરસ મીટરમાં નવો અધ્યયન ખંડ (રીડિંગ હોલ) બનાવવામાં આવ્યો છે. આ રીડિંગ હોલમાં એકસાથે 250 વિદ્યાર્થીઓ અને 50 સિનિયર સિટીઝન આરામથી બેસીને વાંચી શકે તેવી વ્યવસ્થા છે. આ ઉપરાંત, એ.સી. કોન્ફરન્સ હોલ, બાળ વિભાગ અને વાઇ-ફાઇ સુવિધા પણ ઉપલબ્ધ છે, જેના થકી વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ પણ કરી શકે છે.
દિવ્યાંગજનો માટે રેમ્પ, વ્હીલચેર અને દિવ્યાંગ ટોયલેટની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલમાં પુસ્તકાલયમાં 24880 ગુજરાતી, 16547 હિન્દી, 9683 અંગ્રેજી અને અન્ય ભાષાના 4226 પુસ્તકો મળીને કુલ 55336 પુસ્તકોનો સમૃદ્ધ ભંડાર ઉપલબ્ધ છે.

